Home   Menu     Activities     Watchout     Priviege     Introduction   History   Feedbak   Contact Us   Sitemap
       
Spiritual Activity – આધ્યાત્મિક પ્રવૃત્તિBack
 
 

ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એટલે સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ. આજની શાળાઓ, મહાશાળાઓ, ટેકનિકલ સ્કૂલોના યુગમાં ગુરુકુલ શબ્દ એક આગવી છાપ ઊભી કરે છે. ‘ગુરુકુલ’ શબ્દ તેમાં સમાયેલી આધ્યાત્મિકતાનો અણસાર આપે છે અને ગુરુના કુળને ઉજ્જ્વળ કરનાર આદર્શ વિદ્યાર્થી બનવાની સ્વયંભૂ પ્રેરણા આપે છે. જ્યાં ઉચ્ચ શિક્ષણની સાથે તેમના વ્યવહારુ અને આધ્યાત્મિક જીવનનું પણ ઘડતર થાય છે.

આજના વૈજ્ઞાનિક તારણોમાં વિશ્વાસ ધરાવનારી પેઢીમાં નાસ્તિકતાનું વલણ પેસતું જાય છે. જે કંઈ થાય છે તે વિજ્ઞાનથી જ થાય છે પરિણામે તેમના જીવનમાં સંયમ–મર્યાદાના, આચાર-વિચારના, નિયમધર્મના બંધન તેમજ પ્રણાલિગત સંસ્કારો પ્રત્યે અણગમો વર્તે છે, તેને તેઓ નકારે છે. કારણ તેમના જીવનમાં ભગવાન પ્રત્યેની આસ્થાનો અંકુર જ ફૂટ્યો નથી. પ્રભુ પ્રત્યેની બીક કે ભૂલ કે પાપ કરવાની કોઈ બીક જ રહેતી નથી. છેવટે તેમના જીવન મર્યાદાહીન બની માતાપિતાને લાંછન લગાડતા હોય છે.

જેના માટે બાલ્યાવસ્થાથી જ તેમના જીવનમાં આધ્યાત્મિકતાનો સંચાર, ભગવાન પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રગટભાવ જેવા આધ્યાત્મિક ગુણો વિકસાવવા સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ અવનવાં આયોજનો તેમનાં દૈનિક ક્રમ રૂપે મૂકી સતત પ્રયત્નશીલ રહે છે.

1. Daily Recitals – આહનિક

 • Aarti - આરતી
 • ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિને વિષે પ્રગટભાવનો દૃઢાવ થાય તે હેતુથી બાલિકાઓને સાવર-સાંજ મહાપ્રભુનાં આરતી-દર્શનનો લાભ મળે છે. પ્રાત:કાળ પ્રભુમય વીતે તે માટે બાલિકાઓને મંગળા આરતીનાં દર્શનનો લાભ મળે છે. તો વળી, સાયંકાળે પણ સંધ્યા આરતીનાં દર્શન કરી ભક્તિમય બની રહે છે. બાલિકાઓમાં પ્રેમલક્ષણા ભક્તિ ઉદય થાય તે માટે વ્યક્તિગત રીતે બાલિકાઓને મહાપ્રભુની આરતી ઉતારવાનો અણમોલ લાભ મળે તે માટે વારફરતી દરેકને લાભ અપાય છે.
 • Group Pooja – સમૂહપૂજા
 • આપણને રોજ નૂતન દિનની ભેટ આપનાર પ્રભુનું સ્થાન આપણા માટે અન્ય કોઈ પણ કાર્ય કે વ્યક્તિ કરતાં વિશેષ મહત્વનું છે. જીવનમાં ભગવાનનું મુખ્યપણું રહે તે માટે ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓ નિત્ય પ્રત્યે પ્રાત:પૂજા કરે છે. પ્રાર્થના મંદિરમાં સૌ બાલિકાઓ એકસાથે પ્રાત:પૂજામાં નિમગ્ન બને છે ત્યારે પ્રાત:કાળમાં કંઈક અનેરી દિવ્યતા પ્રસરી જાય છે. આ બાળપુષ્પો દ્વારા થતી સમૂહપૂજાનાં દર્શન કરનારા સૌ કોઈ દિવ્યતાનો અનુભવ કરે છે.
 • Group Prayer and Group Recitations - સમૂહ પ્રાર્થના અને સમૂહ ગાન
 • ભગવાન અને ભક્ત વચ્ચેનો સેતુ એટલે પ્રાર્થના. જેમ શરીરને ખોરાકની જરૂરિયાત છે તેમ આત્માને પ્રાર્થનાની જરૂરિયાત છે. તેથી જ ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓના દૈનિક જીવનના એક ભાગ રૂપે પ્રાર્થનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમૂહ પ્રાર્થના દ્વારા સૌ આર્તનાદે પ્રભુને પ્રસન્ન કરે છે. આ ઉપરાંત, આરતી પછી શ્લોકગાન તેમજ સત્સંગ સભા દરમ્યાન સમૂહગાન થાય છે. સંધ્યા સમયે કીર્તનભક્તિ તેમજ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન વડે બાલિકાઓ પ્રભુમય બને છે. સમૂહ પ્રાર્થના, સમૂહ ગાન, ધૂન, કીર્તનભક્તિ વગેરે થકી બાલિકાઓને પ્રભુ જોડાણની રીત શીખવા મળે છે. તેની સાથે સાથે બાલિકાઓ સંસ્કૃત શ્લોકોનું યોગ્ય ઉચ્ચારણ કરતા શીખે, કીર્તનના શબ્દો સમજે, ધૂન-કીર્તનના યોગ્ય રાગ-ઢાળ શીખી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે.
 • Group Meditation – સમૂહ ધ્યાન
 • પ્રભુ સાક્ષાત્કાર માટેની મૂળભૂત જરૂરિયાત એવા દર્શનની જેમ ધ્યાન પણ ખૂબ જ આવશ્યક પરિબળ છે. તે નાનપણથી મહાપ્રભુનું ધ્યાન ધરી મહાપ્રભુમાં સંલગ્ન બને તે માટે દર રવિવારે સમૂહ ધ્યાનનું આયોજન કરવામાં આવે છે.

2. Children Assembly & ABS Camp - બાલિકા સભા અને ABS શિબિર

 • Satsang Assembly & Camp – સત્સંગ સભા અને શિબિર
 • શિક્ષણની સાથે બાલિકાઓમાં સંસ્કાર અને સત્સંગની વૃદ્ધિ થાય તે પણ ખૂબ જ આવશ્યક છે. તેથી સાયંકાળે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પૂ. ત્યાગી મહિલામુક્તો દ્વારા જીવનના જરૂરી તેમજ મહત્વના અભ્યાસ, સત્સંગ અને સંસ્કારલક્ષી વિષયો પર લાભ આપવામાં આવે છે. વિવિધ વિષયો પર વાસ્તવિક પ્રસંગો, આદર્શો અને મૂલ્યો તારવતી વાર્તાઓ વગેરે દ્વારા બાલિકાઓનાં જીવનમાં નક્કર મૂલ્યો અને સિદ્ધાંતોનું રસપ્રદ રીતે સિંચન કરવામાં આવે છે. વર્તન એ વ્યક્તિનું મુખ્ય અને અસરકારક પાસું છે. બાલિકાઓનું શ્રેષ્ઠ અને આદર્શ વર્તન બની રહે તે હેતુથી આ સત્સંગ સભામાં પૂ. ત્યાગી મહિલામુકતો દ્વારા સચોટ રજૂઆત કરવામાં આવે છે જે બાલિકાઓના જીવનપરિવર્તનનો મહત્વનો ભાગ બની રહે છે.
  આ ઉપરાંત, ભગવાન સ્વામિનારાયણ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, અમીરપેઢી, કારણ સત્સંગ, સત્સંગના મુખ્ય ગ્રંથો, કીર્તનો વગેરે જેવાં સત્સંગને આનુષંગિક વિષયોનો પણ આ સત્સંગ સભામાં સમાવેશ કરવામાં આવે છે. જેથી બાલિકાઓમાં સત્સંગલક્ષી ખ્યાલો વિકસે છે.

3. Festival Celebration – તહેવારોની ઊજવણી

શ્રીજીમહારાજ ઉત્સવ પ્રિય હતા. મહારાજે મોટા મોટા ગગનચુંબી મંદિરો કર્યાં. વળી, મહારાજ રંગોત્સવ (ફૂલદોલોત્સવ), શાકોત્સવ, રાસોત્સવ, ઝોળીસેવા, ગુરુપૂર્ણિમાના ઉત્સવો જેવા મોટા મોટા સમૈયા-ઉત્સવો ભવ્ય રીતે યોજી સૌ સંતો-ભક્તોને આ ઉત્સવ-સમૈયામાં ભેગા ભેળવતા. આ ઉત્સવ-સમૈયા એ જગતના જીવોની જેમ આનંદ અને મનોરંજન માટેનું માધ્યમ નહોતું પરંતુ સમગ્ર સંત તથા ભક્ત સમુદાયને સાથે મળી પ્રભુ પ્રસન્નતા પામવાનો હેતુ હતો. આવા ઉત્સવોની ઝાંખી અને તેમાંય પ્રભુ સાથેની યાદગાર પળો જીવનનો અમૂલ્ય ખજાનો બની રહેતો.

સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ ગર્લ્સ ગુરુકુલમાં પણ એવા કેટલાક ઉત્સવોનું આયોજન થાય છે. જેમાં પૂ. ત્યાગી મહિલામુકતો સાથે સૌ બાલિકાઓ આનંદથી જોડાઈ પોતાના જીવનને યાદગાર ક્ષણોથી ભરી પ્રભુ પ્રસન્નતાના પ્રયત્નો કરે છે.

 • Guru Purnima Festival Celebration - ગુરુપૂર્ણિમા ઉત્સવ ઊજવણી
 • દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું એક આગવું અને મહત્વનું સ્થાન રહેલું છે. ગુરુએ કરેલા અનંત ઉપકારો કદી ભૂલી શકાય તેમ નથી. ગુરુના ઋણમાંથી કંઈક અંશે મુક્ત થઈ શકાય તે માટે ગર્લ્સ ગુરુકુલમાં દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે ‘ગુરુ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં થાય છે.
  આ દિવસે બાલિકાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુરુવર્ય પ. પૂ. બાપજી માટે ફૂલનો મોટો હાર અર્પણ કરે છે. ગુરુકુલના બાળમુક્તોને આ દિવસે વહાલા ગુરુવર્ય પ. પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ મળે છે તો સૌ બાલિકાઓ પણ પ્રૉજેક્ટર દ્વારા સ્ક્રિન ઉપર ગુરુવર્ય પ. પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લઈ આશીર્વર્ષામાં ભીંજાય છે. વળી, પૂ. ત્યાગી મહિલામુક્તોનાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુરુ કોને કહેવાય ? જીવનમાં ગુરુની જરૂરિયાત શું છે ? તે અંગે લાભ મળે છે તથા આપણને મળેલા ગુરુવર્ય પ. પૂ. બાપજીના મહિમાનું યશોગાન કરવામાં આવે છે. આ રીતે ગુરુપૂર્ણિમાના દિવસે બાલિકાઓ પ્રાર્થના દ્વારા વહાલા ગુરુજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ પ્રણામ કરી સાંસગોટિલા કરે છે.
 • Rakshabandhan Activity Celebration – રક્ષા આશિષ કાર્યક્રમ
 • અષાઢ સુદ પૂનમના દિવસે સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનનો અવસર ઊજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર એક સામાજિક તહેવાર છે. પરંતુ આ જ તહેવારને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક દૃષ્ટિએ મૂલવવામાં આવે છે. સમાજમાં બહેન ભાઈને રાખડી બાંધીને તેની રક્ષા માટેની શુભકામનાઓ સેવે છે. પરંતુ બહેન અને ભાઈ બંનેની રક્ષા કરનારા તો ભગવાન જ છે. આથી સૌના સાચા રક્ષણહાર તો ભગવાન જ થયા. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ મુજબ રક્ષાબંધનના દિને આપણા સાચા રક્ષણહાર અને સાચા સગાં એવા ભગવાનના સંતો પાસે રાખડી બંધાવવાનો દિવ્ય લાભ મળે છે. ગર્લ્સ ગુરુકુલમાં પણ રક્ષાબંધન નિમિત્તે ‘રક્ષાઆશિષ’ કાર્યક્રમનું આયોજન થાય છે. જેમાં ભક્તિનિવાસનાં વરિષ્ઠ ત્યાગી મહિલામુક્ત પૂ. જાગુબેનના હસ્તે બાલિકાઓને રાખડી બંધાવવાનો આગવો લાભ મળે છે. વર્ષમાં એક જ વખત આવતી આવી દિવ્ય પળો બાલિકાઓમાં સદા રક્ષાયેલા રહેવા હામ પૂરે છે.
 • Hindola Festival – હિંડોળા
 • આષાઢ-શ્રાવણ માસ એટલે પ્રભુભક્તિ માટેનો ઉત્કૃષ્ટ સમય. વરસાદની આ ઋતુનું આહ્લાદક વાતાવરણ ભક્તને પ્રભુમય થવામાં પૂરક બની રહે છે. વિવિધ પ્રકારની ભક્તિ કરીને ભક્ત ભગવાનને રીઝવવા માટે તેમજ લાડ લડાવવા માટેના પ્રયત્નો કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ અષાઢ વદ બીજ થી શ્રાવણ વદ બીજ એમ એક મહિના દરમ્યાન વિવિધ પ્રકારના હિંડોળામાં પ્રભુને ઝુલાવવામાં આવે છે. વસ્તુઓથી બનાવેલા આકર્ષક હિંડોળામાં પ્રભુને ઝુલાવવાનો લાભ લઈ સૌ કોઈ પ્રભુને કાલાવાલા કરે છે. એ જ રીતે ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓ પણ પ્રભુને હિંડોળે ઝુલાવવાનો લાભ ચૂકતી નથી. હિંડોળાનાં કીર્તન ગાઈને પ્રભુને હિંડોળે ઝૂલાવતી બાલીકાઓની પ્રભુ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિ દીપી ઊઠે છે.
 • Holi Festival - ફૂલદોલોત્સવ
 • ફાગણ સુદ પૂનમ એટલે હોળી-ધૂળેટીનો અવસર. જગતના જીવો એકબીજા સાથે રંગે રમી માયિક આનંદ માણે છે. જ્યારે આ દિવસે ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ રાજી થકા સૌ સંતો – ભક્તોને રંગ અને ગુલાલ વડે રંગતા. આ રંગ ભક્તોના જીવનને પ્રભુરંગથી રંગી દેતો. એક બાજુ તાલ–પખાજ આદિ સંગીતનાં સાધનો સાથે કીર્તનભક્તિનો રંગ જામતો તો સાથે સાથે મોજમાં આવેલા પ્રભુ સંતો–ભક્તો પર રંગ ઉડાડતા તેનો દિવ્ય રંગ જામતો.
  સ્વામિનારાયણ સંપ્રદાયની આ પ્રણાલિકા મુજબ ગર્લ્સ ગુરુકુલમાં ફૂલદોલોત્સવનું આયોજન કરવામાં આવે છે. ફૂલદોલોત્સવના આ અવસરે પ્રભુ પાસે ફગવા માંગતી પ્રાર્થના કરવામાં આવે છે કે “મહાબળવંત માયા તમારી........” ત્યારબાદ ભક્તિનિવાસનાં વરિષ્ઠ ત્યાગી મહિલામુક્ત પૂ. જાગુબેન અને પૂ. ત્યાગી મહિલામુકતો પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજને રંગભરી પીચકારીથી રંગીને ફૂલદોલોત્સવનો પ્રારંભ કરાવે છે અને બાલિકાઓને ગુલાલ અને રંગથી પ્રભુ રંગમાં ભીંજવે છે. અંતમાં પૂ. જાગુબેનના હસ્તે ધાણી-ખજૂરના ફગવારૂપી પ્રસાદીની લ્હાણી કરવામાં આવે છે. બાલિકાઓ માટે ફૂલદોલોત્સવની આવી ક્ષણો તેમના જીવનને અનેરા રંગથી ભરી દે છે.
  આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિનવમી, વસંતપંચમી જેવા નાનામોટા ઉત્સવોની ઊજવણી દ્વારા બાલિકાઓની ભગવાન પ્રત્યેની આસ્થા દૃઢ થાય છે તેમજ જીવનમાં અધ્યાત્મનો નૂતન સંચાર થાય છે. ઉત્સવોમાં થતો આનંદોત્સવ તેમના જીવનને આનંદથી પુલકિત કરી દે છે.
 • Prize Distribution - ઇનામ વિતરણ
 • દરેક વિદ્યાર્થીની સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તેમનામાં અનંત શક્તિઓ અને ગુણો છૂપાયેલા હોય છે. વિદ્યાર્થીનીના શિક્ષણ જગતલક્ષી, રમતગમત જગતલક્ષી કે અન્ય આંતરિક ગુણો ક્યાંક જબકી ઊઠે છે. તેના ગુણો અને સફળતાની જો કદર કરવામાં આવે તો એ વધુ સફળતા પ્રાપ્ત કરવા ઉત્સાહિત બને છે તેમજ એના ગુણો અને સફળતા અન્ય માટે પ્રેરણાદાયી બની રહે છે.
  ગર્લ્સ ગુરુકુલમાં તો ઘણી બાલિકાઓ એક એકમ હેઠળ પોતાના જીવનની પ્રગતિ કરી રહી છે. ત્યારે દરેક બાલિકાઓના કેટલાક ગુણો ભેગા મળી અનંત ગુણોમાં પરિણમે છે. ઇનામ વિતરણ દ્વારા ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓની સફળતા તેમજ એવા ગુણોને બિરદાવવામાં આવે છે.
  જેમાં આદર્શ બાલિકા, રૂમ સ્વચ્છતા, શિક્ષણલક્ષી પરીક્ષાઓ અને સત્સંગલક્ષી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર બાલિકાઓને નંબર આપી ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે જ રીતે રમતગમતમાં તેમજ રંગોળી સ્પર્ધા, ક્લે મોડલિંગ સ્પર્ધા, કાર્ડ મેકિંગ સ્પર્ધા, ધૂન – કીર્તન સ્પર્ધાઓ વગેરેમાં શ્રેષ્ઠ રીતે પોતાની કળા-કૌશલ્યતા દાખવાનારને પણ નંબર આપી ઇનામ વડે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
  જીવનમાં વધુ ને વધુ પ્રગતિ કરી શકે તેવી પ્રાર્થના સાથે પૂ. ત્યાગી મહિલામુક્તોના દિવ્ય હસ્તે બાલિકાઓ ઇનામ પ્રાપ્ત કરે છે જે અન્ય બાલિકાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહે છે.

3. Other Activities - અન્ય પ્રવૃત્તિઓ

બાલિકાઓનો આધ્યાત્મિકતા સાથે સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી અનેકવિધ આધ્યાત્મિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેવી કે, બાલિકા પારાયણ, ધૂન સ્પર્ધા, કીર્તન ક્વીઝ, સત્સંગલક્ષી પરીક્ષા..

 • Kirtan Quiz - કીર્તન ક્વીઝ
 • કીર્તન ક્વીઝમાં જુદા જુદા રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે. આ ક્વીઝના નવીન નવીન રાઉન્ડમાં બાલિકાઓને કીર્તન વિષયક નવીન માહિતી તેમજ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સૌ બાલિકાઓ ઉત્સાહપૂર્વક આ કીર્તન ક્વીઝમાં જોડાય છે.
 • Dhoon Competition - ધૂન સ્પર્ધા
 • સ્વામિનારાયણ મહામંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર છે. વર્ષ દરમ્યાન સ્વામિનારાયણ મહામંત્ર ધૂનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે . જેમાં ધૂન કરવાનો હેતુ સમજી ધૂન કરવાની યોગ્ય રીત શીખવા મળે છે. રાગ, ઢાળ, ભાવને અનુલક્ષીને ધૂન સ્પર્ધામાં નિર્ણય લેવામાં આવે છે. જેમાં બાલિકાઓ વ્યક્તિગત રીતે ધૂન ગાતા શીખે છે.
 • Religious Exam - સત્સંગ/ધાર્મિક પરીક્ષા
 • સત્સંગના પાયાનાં મૂલ્યો અને સત્સંગલક્ષી મૂળભૂત માહિતી બાલિકાના જીવનમાં દૃઢ રહે તે હેતુથી સત્સંગ/ધાર્મિક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન એક વખત સત્સંગ પરીક્ષા અને એક વખત ધાર્મિક પરીક્ષા લેવામાં આવે છે. જેમાં સિલેબસ તરીકે સત્સંગની રસપ્રદ પ્રસંગોયુક્ત તેમજ સત્સંગલક્ષી સામાન્ય જ્ઞાન વિષયક પુસ્તિકાનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં તમામ ધોરણની બાલિકાઓ ઉત્સાહભેર જોડાય છે. પરીક્ષાના પરિણામ મુજબ પ્રથમ ત્રણ આવનાર બાલિકાને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
 • Children Recitation - બાલિકા પારાયણ
 • બાલિકાઓમાં વક્તૃત્વકળા ખીલે તેમજ Stage Fear દૂર થાય અને આત્મવિશ્વાસ દૃઢ થાય તથા તેમને જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે એવા હેતુથી બાલિકા પારાયણનું પૂ. ત્યાગી મહિલામુકતોનાં સાંનિધ્યમાં આયોજન થાય છે.
 
 
 
Copyright © 2008- 2015 , Shri Swaminarayan Mandir Vasna Sanstha (SMVS). All Rights Reserved.