Privilege
 

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓને એક આગવું સ્થાન આપીને સ્ત્રીઓનું ગૌરવ વધાર્યું છે અને એક આદરણીય સ્ટેજ આપ્યું છે. સમાજમાં એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓની અવગણના કરવામાં આવે છે, તેમનો તિરસ્કાર કરવામાં આવે છે. પરંતુ ખરેખર એ તિરસ્કાર નહિ, મર્યાદા છે.

ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓ પ્રત્યે પવિત્ર ર્દષ્ટિએ, માનથી જોવાનો આદેશ આપ્યો છે. અનુભવી લેખકો પણ પોતાની કૃતિઓમાં આલેખે છે કે “ સ્ત્રીઓને સમાજમાં તથા સંપ્રદાયમાં ચોકકસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર સ્વામી સહજાનંદજી હતા.” કેવું સ્થાન છે આ સંપ્રદાયમાં સ્ત્રીઓને ? તેને આવો આપણે નિહાળીએ...

18 મી સદીના સમાજની અધોગતિનો આછો ચિતાર

આજથી 225 વર્ષ પહેલાંની 18મી સદી તરફ ર્દષ્ટિપાત કરતાં જણાશે કે, એ સમય એટલે સંપૂર્ણ અરાજકતાનો સમય. એ સમય એટલે વહેમ અને અંધશ્રધ્ધાનો સમય. એ સમય એટલે અનેક કુરિવાજોનો સમય. બાળકીને જન્મ થતાં જ દૂધપીતી કરી દેવાની, દીકરી કે સ્ત્રી બીમાર પડે તો વળગાડ જ છે એમ સમજી ભૂવા-ભરાડીના પંજામાં સપડાવી દેવાની અને રિબાવી-રિબાવીને મોતના મુખમાં ધકેલી દેવાની. બહેન-દીકરીઓ નિર્ભયતાથી જીવન જીવી જ ન શકે. નાની ઉંમરમાં પરણાવી દેવાની. વળી, નાની ઉંમરે પતિ સ્વધામ સિધાવે તો પરાણે સતી થવાની ફરજ પડે. આવા સમયમાં કન્યા-કેળવણીનો તો પ્રશ્ન જ કેવી રીતે આવે ? સાથે સાથે ધર્મના નામે અધર્મ, પાખંડ, દુરાચાર, અત્યાચાર ચલાવનાર બાવાઓનો ત્રાસ પણ અકલ્પ્ય પ્રમાણમાં વધી ગયો હતો. ન કરવાનાં અનેક ખરાબ કૃત્યો કરનાર આવા બાવાઓની હેરાનગતિના કારણે સ્ત્રીઓની ભારે અવદશા સર્જાઈ હતી.

સમાજમાં નવી જાગૃતિની જ્યોતિ જલાવનાર સહજાનંદરૂપી સૂંર્યનુ પ્રાગટય :  

આવા અનાચારી,આસુરી મતિવાળા દુષ્ટ અસુરોના બેહદ ત્રાસથી સૌનું આલોક-પરલોકમાં રક્ષણ કરવા, હાથમાં શસ્ત્ર લીધા વગર અસુરોની આસુરી મતિઓને ટાળી સમાજમાં નવી જ્યોતિ જલાવનાર સહજાનંદરૂપી સૂર્ય પ્રગટ થયો.

સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે “ લુબ્ધ થયેલા બ્રહ્મચર્યાશ્રમનું પુન:સ્થાપન કરનાર, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જ્વળ કરનાર પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર એવા સહજાનંદ સ્વામી હતા.”

મહાપ્રભુએ નાનકડી 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને 7 વર્ષના વનવિચરણ બાદ 18 વર્ષની ઉંમરે લોજ ગામમાં સદ્દગુરુ રામાનંદ સ્વામીના આશ્રમમાં સંતોની ધર્મ-નિયમની ર્દઢતા જોઈ પધાર્યા.એ સમયમાં સદ્દગુરુ રામાનંદસ્વામી વિચરણમાં પધાર્યા હતા. તેથી આશ્રમના મોટેરા સંત સદ્દગુરુ મુક્તાનંદ સ્વામીની નિશ્રામાં સેવકભાવે રહેવા લાગ્યા. આમ છતાં મહાપ્રભુનો એક જ ઇશક હતો કે, હવે આવી ભયાનક ગંદકીમાં સપડાયેલા સમાજને નવી દિશા આપવી કે જેથી એક આદર્શ અને દિવ્ય સમાજ ઊભો થાય. કહેવત છે ને કે “ Charity begins at home ” એ ન્યાયે મહાપ્રભુએ આશ્રમથી જ આ કાર્યનો આરંભ કર્યો. 

એ સમયે આશ્રમ અને બાજુમાં વાળંદના ઘર વચ્ચેની એક જ દીવાલમાં દેવતાની લેવડ-દેવડ માટે રાખેલું ફાંકું (બાકોરું) જોઈ દીર્ધદ્રષ્ટા નીલકંઠવર્ણીએ તરત કહ્યું, “ હે સંતો ! આ દીવાલમાં નહિ, ધર્મમાં ફાંકું છે. ” અને નિલકંઠવર્ણીએ તાત્કાલિક એ ફાંકું પુરાવી દીધુ. વળી, એ સમયે બાઈઓ-ભાઈઓની ભેગી સભા ચાલતી હતી. તે પણ નીલકંઠવર્ણીએ બંધ કરાવી અને બાઈઓ-ભાઈઓની સભા જુદી કરવાનો મંગળ પ્રારંભ કરાવ્યો.

આમ ભવિષ્યમાં એક આદર્શ સમાજ ઊભો થાય તેની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે 18 વર્ષની નાનકડી ઉંમરે કરી દીધી. ત્યારબાદ ધર્મધુરા સંભાળી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને પોતાના સંતોને માયાથી રહિત કરવા સ્ત્રી-દ્રવ્યના ત્યાગી કર્યા તેમજ અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય પાળવાના નિયમ આપ્યા.

ઘણાને પ્રશ્ન થાય કે સ્વામિનારાયણના સંતોથી સ્ત્રીઓને દૂર રાખીને સ્ત્રીઓનો તિરસ્કાર અને અપમાન નથી કર્યું? પરંતુ એ વખતના સમાજની પરિસ્થિતિ જોતાં અને આજે પણ ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિઓ ચાલવાની શક્યતા સવિશેષ છે. તે જોતાં ભગવાન સ્વામિનારાયણે બાંધેલી આ સંયમની મર્યાદાની પાળ કેટલી બધી સુખકારી સાબિત થાય છે! જેમાં સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર નહિ, પરંતુ સ્ત્રીઓનું રક્ષણ અને કેવળ હિત જ સમાયેલાં છે.

મહાપ્રભુએ પોતાની સ્વમુખવાણી ગઢડા મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં પણ પોતાની સ્પષ્ટ રુચિ બતાવતાં જણાવ્યું છે કે, “જગતમાં એમ વાર્તા છે કે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગાં’ એ વાર્તા ખોટી છે. ગમે તેવો સમાધિનિષ્ઠ પુરુષ હોય અથવા વિચારવાન હોય અને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો તેનો ધર્મ કોઈ રીતે રહે જ નહિ. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય અને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહિ. અને એવી રીતે સ્ત્રી-પુરુષનો પરસ્પર સહવાસ થાય અને એનો ધર્મ રહે એવી આશા તો રાખવી જ નહિ. ”

શાસ્ત્રોમાં વ્યાસજી અને શિષ્ય જયમુનિનો પ્રસંગ બહુ પ્રચલિત છે. “ પોતાની મા-બહેન કે દીકરી સાથે પણ એકાંત સ્થળને વિષે ન રહેવું.”  આ લખાણ જ્યારે ગુરુ વ્યાસજી લખાવી રહ્યા હતા, ત્યારે તેમના વચનમાં જયમુનિને સંશય થયો, “ ગુરુજી, આમ તે કંઈ હોતું હશે?” ગુરુજી કહે, “ અત્યારે લખાણની જગ્યા ખાલી રાખી દો.” અને એક દિવસ મધ્યરાત્રિએ વરસતા વરસાદમાં પોતાનાં બહેન આશ્રમમાં આવ્યાં. રાત્રિના અંધકાર અને એકાંતમાં બહેનનું રૂપ નિહાળી જયમુનિનું મન બગડયું, ભાન ભૂલ્યા. બહેન સમયસુચકતા વાપરી દોડયાં. મનને વશ થયેલા જયમુનિ પોતાની જ બહેનની પાછળ દોડયા. દોડતાં-દોડતાં બહેનની જગ્યાએ જયમુનિએ જ્યાં પોતાના ગુરુજીને નિહાળ્યા ત્યાં તો છોભીલા પડી ગયા. વ્યાસજીએ બહેન રૂપે આવી, કરેલી પરીક્ષામાં જયમુનિ નાપાસ થયા. ગુરુજી કહે, “ જયમુનિ, ભૂલ થઈ તેનો કોઇ જ ક્ષોભ નથી પણ એટલું જ કહેવું છે કે, પેલો શ્ર્લોક પુરો કરી દેજો. જયમુનિ વ્યાસ્જીના વચનમાં સંમત થઈ ગયા.

કેવા-કેવાને કલંક લાગ્યા છે? શિવ, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, નારદ આદિક સ્ત્રીના રૂપમાં આસક્ત થઈ કામને પરાભવ પામ્યા છે. વળી, મોટા મોટા સોભરી, એકલશૃગી, વિભાંડક, ચ્યવન, પરાશર આદિક ઋષિમુનિઓ કે જેઓનાં 60 વર્ષ સુંધીનાં તપ પર પાણી ફરી વળ્યાં અને કામને પરાધીન થયા છે. માટે જ્યાં જ્યાં સ્ત્રી-પુરુષ ભેગાં થાય ત્યાં આ અનર્થ સર્જાય જ. ઘી અને અગ્નિ ભેગાં થાય ત્યાં ભડકો થાય જ. જેમ ગમે તેવું થીજેલું ઘી હોય પરંતુ એ ઘી જેમ જેમ અગ્નિની નજીક આવતું જાય એમ એ ઓગળે જ. તેમ ગમે તેવો સિધ્ધ પુરુષ હોય કે ગમે તેવી વૈરાગ્યવાન સ્ત્રી હોય પરંતુ જ્યાં સ્ત્રી અને પુરુષ ભેગાં થાય છે ત્યાં એકબીજા માટેનું આકર્ષણ ઉદ્ભવ પામ્યા વિના રહેતું નથી. માટે જ શિક્ષાપત્રી શ્લોક 136માં પણ ભગવાન સ્વામિનારાયણે જણાવ્યું છે કે “ પોતાની મા-બહેન કે દીકરી સંગાથે પણ એકાંતમાં ન રહેવું. ”

એ સમય તો અરાજકતાનો હતો જ. પરંતુ ભવિષ્યમાં પણ સમાજ સદાને માટે પવિત્ર રહે અને સૌનું જીવન પ્રભુપરાયણ દિવ્યજીવન બને તે માટેની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયના આરંભથી જ કરી

કિશોરલાલ મશરૂવાલા કહે છે કે, “ સહજાનંદ સ્વામીએ સ્ત્રી-પુરુષ વચ્ચેની મર્યાદાઓ ઘણી મજબૂત કરી, પણ એથી સંપ્રદાયની અંદર તો સ્ત્રીજાતિ વધારે સુરક્ષિત બની. “ બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે... ” એમાં સ્ત્રીજાતિ પ્રત્યે સૂગ વધ્યાનું કોઈને લાગશે, પણ એથી એમના  પ્રત્યેનો વિનય પણ વધ્યો. સહજાનંદ સ્વામીના નિયમની પાછળ પુરુષોના બ્રહ્મચર્યની રક્ષાની ચિંતા હશે તે કરતાં સ્ત્રીઓની શીલની રક્ષાની વધારે ચિંતા હતી એમ જણાય છે. તે કાળના ધાર્મિક પંથોમાં પેઠેલા સડાઓના અનુભવમાંથી એમનો આ બાબતનો આગ્રહ હતો.  સંપ્રદાયે વધારેલી સ્ત્રીજાતિની પ્રતિષ્ઠા અને કરેલી કદર એ એનો નવીન ફાળો છે. આજ સુધી જેટલા આદરથી એમના પુરૂષ-મુકતોનાં નામ  લેવાય છે તેટલા જ આદરથી જીવુબા, લાડુબા વગેરે સ્ત્રી-મુકતોનો ઉલ્લેખ થાય છે.

સ્ત્રી સમાજના  હિત અર્થે  ભગવાન સ્વામિનારાયણની  અસાધારણ  કરુણા :

  • આગળ આપણે જોયું તેમ 18મી સદીમાં સ્ત્રીઓની કેવી દુર્દશા હતી? આવા સમયે બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ, દહેજપ્રથા, સતી થવાનો રિવાજ વગેરે કુરિવાજો સામે જબરજસ્ત જેહાદ જગાવવાની શરૂઆત જ  ભગવાન સ્વામિનારાયણે  કરી.

  • જયારે લોજમાં બાઈઓ અને ભાઈઓની સભા જુદી કરી ત્યારે નીલકંઠવર્ણીએ આદેશ આપ્યો કે “ બાઈઓની સભામાં બાઈઓ જ ઉપદેશ આપે. જો ઉપદેષ્ટા સ્ત્રીઓ બને તો ભણતર ફરજિયાત બને. આમ, કન્યાકેળવણી સ્ત્રીઓ માટે જરૂરી છે તેવી ર્દષ્ટિ સમાજને આપી. સ્ત્રીઓ પ્રભુના બળે જરૂર આગળ વધી શકે તેવો આત્મવિશ્વાસ જન્માવ્યો. કન્યા કેળવણીની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે કરી પછી સરકારે કન્યા કેળવણીનાં પગલાં શરૂ કર્યાં. તેમાં પણ શિક્ષણ આપવામાં સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયનાં બહેનો જ હતાં.

  • ભગવાન સ્વામિનારાયણે મહિલાઓને એક આગવું સ્થાન આપવા મહિલાઓને ભગવાન ભજવા માટે જુદાં મંદિરો, જુદા રસોડા,  જુદા ઉતારા, વળી સભા પણ જુદી કરી. શાસ્ત્રો એવું કહે છે કે પુરુષથી બ્રહ્મચર્ય પળાય, પણ સ્ત્રીઓથી ક્યારેય પળાય જ નહિ. આ અશક્યને સ્વામિનારાયણ ભગવાને પોતાના પ્રૌઢ પ્રતાપે શક્ય કરી બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણના સમયમાં આવા અસંખ્ય ત્યાગી-ગૃહી મહિલાઓ હતા કે જેઓ અખંડ બ્રહ્મચર્ય પાળતાં અને આવા મહિલા સમાજમાં જીવુબા, લાડુબા, રાજબાઈ, રામબાઈ જેવા અણમોલ રત્નો સમાજને ભેટ આપ્યાં. જેમની દિવ્ય પ્રેરણાના બળે વર્તમાનકાળે પણ સંપ્રદાયમાં અસંખ્ય મહિલાઓ ભગવાનની આજ્ઞામાં રહીને તેમના રાજીપાના પાત્ર બને છે.

  • આ સિવાય શ્રીજી મહારાજે સ્ત્રી-ઉત્કર્ષ માટે સદ્દગુરુ મુક્તાનંદ સ્વામી પાસે ‘સતી ગીતા’ નામનો ગ્રંથ કરાવી સ્ત્રી-વર્ગને ખૂબ પ્રોત્સાહન  આપ્યું છે.

  • પૂર્વે શાસ્ત્રોમાં એવું કહેવાતું કે, સ્ત્રીઓનું કલ્યાણ ના થાય. તે માટે તેને પુરુષનો દેહ ધરવો પડે. આ માન્યતા ખોટી છે. એવા અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોજૂદ છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત બાઈ-ભાઈ સૌને આત્યંતિક કલ્યાણના કોલ દીધા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વિચરણ કરતા ભાલ પ્રદેશના સોઢી ગામે પધાર્યા ત્યારે મુસ્લિમ બાઈનો સંકલ્પ અંતર્યામીપણે જાણી સામેથી દાતણની સેવા લીધી અને સદ્ગુરુ મુકતાનંદ સ્વામી સાથે કલ્યાણના કોલ આપ્યા. કૃપાનું દાન કરવાની ભગવાન સ્વામિનારાયણની કેવી અજબની રીત ! 

  • સર્વજીવ હિતાવહ ગ્રંથ ‘શિક્ષાપત્રી’માં પણ શ્રીજીમહારાજે સ્ત્રીઓના ધર્મ જુદા બનાવી સમાજમાં સ્ત્રીઓએ કેવી રીતે રહેવું અને  સમાજે પણ સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરવો તે બંને દિશા દર્શાવીને સ્ત્રીઓને આગવું મહત્ત્વ આપ્યું છે. જો શ્રીજીમહારાજને સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર હોત તો સંપ્રદાયના મુખ્ય ગ્રંથ સમાન ‘શિક્ષાપત્રી’માં સ્ત્રીઓને મહત્ત્વ શા માટે આપે ! જો ભગવાન સ્વામિનારાયણને સ્ત્રીઓ પ્રત્યે નફરત કે તિરસ્કાર હોત તો સ્ત્રી-સમાજ માટે આવાં વિશિષ્ટ કાર્યો કરીને સ્ત્રીઓનું રક્ષણ કરી સ્ત્રીઓને આગવું સ્થાન શા માટે આપે !

    આમ, ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓનું અપમાન નહિ પણ શ્રેષ્ઠ સન્માન કર્યું છે. ધર્મના નામે પાખંડ ન ચાલે તે માટે ભગવાન સ્વામિનારાયણે આવા ક્રાંતિકારી પગલા ભરીને એક આદર્શ, શુધ્ધ, પવિત્ર અને દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી સ્ત્રીઓને આગવું, ગૌરવવંતુ અને આદરણીય સ્થાન આપ્યું છે. જે સમગ્ર સ્ત્રી-સમાજ માટે અતિ આનંદની વાત છે.

    ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલી આ પરંપરાને આજે પણ SMVS  સંસ્થા અનુસરે છે. SMVS સંસ્થામાં પણ સ્ત્રી-પુરુષની મર્યાદા અણિશુધ્ધપણે રાખવામાં આવે છે. તેમ છતાં સ્ત્રીઓ માટે તિરસ્કાર કે નફરતનું વલણ રાખવામાં આવતું નથી. સ્ત્રીઓને સત્સંગમાં એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ પુરુષ હરિભકતોમાં સત્સંગ અને સંસ્કારનું પોષણ કરવા માટે બાળ મંડળો, કશોર મંડળો, યુવક મંડળો ચાલુ છે. તેમ મહિલા સમાજને બળિયો રાખવા માટે પણ SMVS દ્વ્રારા બાલિકા મંડળો, યુવતી મંડળો, મહિલા મંડળો  જેવી વિવિધ પ્રવુત્તિઓ ચાલે છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદી સ્ત્રી પ્રત્યે તિરસ્કારની ભાવના પ્રગટાવવામાં આવી નથી. આજે પણ  SMVS સંસ્થા ભગવાન સ્વામિનારાયણે બાંધેલા રાહ ઉપર ગતિમાન છે.