Introduction
 

ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સર્વોપરી સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં મૂળ સ્થાને ઉપાસનાની સાથે પવિત્રતા અને ધર્મમર્યાદા રહેલી છે. આ બંને બાબતો યાવદચંદ્રદિવાકરૌ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જળવાયેલી રહે અને એ જ એની શોભા બની રહે તે માટે  ભગવાન સ્વામિનારાયણે સંતોને સંતોનાં પંચવર્તમાન અને હરિભકતોને હરિભકતોના પંચવર્તમાન આપ્યાં છે. ભગવાન સ્વામિનારાયણના આદર્શો, સિધ્ધાંતો અને અભિપ્રાયો મુજબ વર્તવું એ જ મોટામાં મોટી પ્રભુભક્તિ છે. ”

ભગવાન સ્વામિનારાયણના આદર્શો, સિધ્ધાંતોમાં મુખ્ય સ્થાને બ્રહ્મચર્ય-નિર્વાસનિકપણું રહેલું છે. શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 33મા વચનામૃતમાં પોતાની અંતર્ગત રુચિ દર્શાવતા કહ્યું છે કે જેને નિષ્કામી વર્તમાન ર્દઢ હોય તો તે થકી અમે હજારો ગાઉ છેટે જાઈએ તોપણ તેની પાસે જ છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે અમ પાસે રહે છે તોય પણ તે લાખો ગાઉ છેટે છે. ”

વળી, ગઢડા મધ્યના 50મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે જે “ નિર્વાસનિક ભકત હોય તે જ અમને વ્હાલા છે એ અમારા અંતરનું રહસ્ય છે. ” શ્રીજી મહારાજ જ્યારે નીલકંઠવર્ણી રૂપે સૌ પ્રથમ લોજમાં પધાર્યા અને સદ્ગુરુ રામાનંદ સ્વામીના આશ્રમમાં રોકાયા એ સમયે આશ્રમની બાજુમાં એક વાળંદનું ઘર હતું. બંને ઘરની દીવાલ એક હતી તેથી આશ્રમના રસોડામાં એક ફાંકું પાડવામાં આવેલું જ્યાંથી બાજુના ઘરનાં બાઈ સંતોને રોજ દેવતા આપતાં. જેથી સંતોને તકલીફ ન પડે. આશય પવિત્ર હતો, છતાં દરેક સમય સરખો ન હોય. આશ્રમની ભવિષ્યની પેઢી અને બાજુના ઘરની ભવિષ્યની પેઢી એકસરખી ન પણ હોય અને પરિણામે ધર્મમાં વિઘ્ન આવે એ ર્દષ્ટીએ નીલકંઠવર્ણીએ સંતોને જણાવ્યું કે “ હે સંતો ! આ દિવાલમાં ફાંકું નથી પણ ધર્મમાં ફાંકું છે. ધર્મ તો શુધ્દ્ર અને પવિત્ર જોઈએ.” એમ રુચિ જણાવી પોતાના સ્વહસ્તે  દીવાલમાં રહેલું ફાંકું પુરાવ્યું.

બીજા દિવસે સદ્દગુરુ મુકતાનંદ સ્વામી આશ્રમની બાજુમાં આવેલા ડેલામાં ધર્મસભા માટે પધાર્યા. સભામાં બાઈઓ તથા ભાઈઓ  સાથે બેસી કથાવાર્તા સાંભળતા હતા. તે સમયે નીલકંઠવર્ણીએ સદ્દગુરુ મુકતાનંદ સ્વામીને જણાવ્યું કે, સ્વામી, બાઈઓ અને ભાઈઓની સભા ભેગી રાખવાથી ધર્મ સચવાય નહિ. માટે બાઈઓની સભા અલગ કરો. અહીંયાં પણ નીલકંઠવર્ણીનો સ્ત્રી-પુરુષની મર્યાદા જાળવવાનો કેટલો બધો આગ્રહ દેખાય છે ! 

સદ્દગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ધર્મધુરા  સોંપી અને શ્રીજી મહારાજે પોતાના શુધ્ધ, સર્વોપરી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. શ્રીજી મહારાજ સમગ્ર સમાજને પોતાના આદર્શો અને સિધ્ધાંતો મુજબનું જીવન  જિવાડવા માંગતા હતા. તેથી એક વખત શ્રીજીમહારાજે સદ્દગુરુ આત્માનંદ સ્વામીના સમયથી ચાલી આવતી ત્યાગી મહિલાઓ  અને સાધુઓના ભેળીહાળાની રીતને બદલવાનું નકકી કર્યું. હરબાઈ અને વાલબાઈને બોલાવીને શ્રીજીમહારાજે આજ્ઞા કરી કે, “ ત્યાગી સાધુ અને  ત્યાગી મહિલાઓનો જ્યાં ભેળીહાળો હોય ત્યાં ધર્મ યથાર્થ પળે નહિ. માટે આજથી તમે ત્યાગી સાધુઓના મંડળમાં ન રહેતા. તમારાંસ ત્યાગી  મહિલાઓનાં જુદાં મંડળ બનાવીને રહેજો. અને ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ ત્યાગી મહિલાના  મંડળ જુદા થયાં.

200 વર્ષથી શ્રીજીમહારાજનો એક સંકલ્પ વહી રહ્યો છે કે, “અમારે તો અમારી આજ્ઞા અને ઉપાસનામાં ખબડદાર એવો મહિલા -પુરુષનો દિવ્ય સમાજ રચવો છે. ” એ દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવાનું બીડું જાણે પ.પૂ.બાપજીએ જ ન ઝ્ડપ્યું હોય કે શું ! તેવું સ્પષ્ટ જણાય છે. શ્રીજી મહારાજના સંકલ્પમૂર્તિ સમા જીવનપ્રાણ અબજીબાપાશ્રીના જ સંકલ્પથી પ્રગટ થયેલા અને સદ્ગુરુ મુનિસ્વામી (અ.મુ. સદ્દગુરુ કેશવપ્રિયદાસજી સ્વામીશ્રી)ના અંતરનો ખૂબ રાજીપો પ્રાપ્ત કરેલ એવા સાધુતાની મૂર્તિ સમા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી (અ.મુ. સદ્દગુરુ શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદથી SMVS સંસ્થામાં આજે પણ પૂ.જાગુબહેનના સીધા નેતૃત્વ હેઠળ ત્યાગી મહિલા મુક્તો શ્રીજી મહારાજે કરેલ આજ્ઞા મુજબ સંતોથી જુદાં મંડળોમાં રહે છે. આ ત્યાગી મહિલામુક્તો મહિલા સમાજમાં વિવિધ આધ્યાત્મિક અને સામાજિક્ પ્રવૃતિઓ કરી રહ્યાં છે. SMVS સંસ્થા દ્વારા ત્યાગી મહિલામુક્તોને રહેવા માટે જુદાં સ્થાનો (મંદિરો) છે. ત્યાગી મહિલામુક્તો માટે તૈયાર થતાં આ સ્થાનોને (મંદિરો) ‘ભકિત નિવાસ’ના નામે ઓળખવામાં આવે છે.

આવા અલગ વિભાગ કરવા પાછળના આ રહ્યા શુભ હેતુઓ.

  1. પુરુષ વર્ગની સાથે સાથે મહાપ્રભુના ભવ્ય સંકલ્પો સાકાર થાય તેવો કસરે રહિત દિવ્ય મહિલા સમાજ પણ તૈયાર થાય.

  2. મહિલાઓની અલગ વ્યવસ્થા દ્વારા સૌ સ્વતંત્ર રીતે પ્રભુના જ બળે પ્રભુના રાજીપાના પાત્ર બની શકે.

  3. ત્યાગી અને ગૃહીમાં સ્ત્રી અને પુરુષ બંને વર્ગ પોતપોતાના નિયમમાં ખબડદાર રહીને પોતાની મર્યાદામાં સદાય રહીને  મહાપ્રભુને અતિશય પ્રિય એવી પવિત્રતા-શુધ્ધતા જાળવીને  પ્રભુના રાજીપાવાળું  મર્યાદી જીવન જીવી શકે.

  4. ભગવાન સ્વામિનારાયણને રાજી કરી જ લેવા છે એવા એકમાત્ર શુભ સંકલ્પથી પ્રભુને ગમે એવું દિવ્યજીવન જીવતો મહિલા સમાજ તૈયાર થાય.