SMVS Rajat Jayanti Mahotsav
2012-12-21
 
Gallery
 
 
 
 
 
 
 

SMVS રજત જયંતી મહોત્સવનો શાનદાર ઉદ્દઘોષ થતાં સમગ્ર SMVS પરિવારમાં એક અનેરો ઉત્સાહ વ્યાપી ગયો. મહોત્સવનાં ત્રિવર્ષીય આયોજનમાં ભક્તિનિવાસ મહિલા પાંખે નિષ્ઠા, ખંત અને ઉત્સાહથી સુંદર રીતે પાયાની ભૂમિકા અદા કરી હતી. જેમાં મહોત્સવના પૂર્વ આયોજન, મહોત્સવ પૂર્વેની સેવાઓ તેમજ મહોત્સવ દરમ્યાનની સેવાઓમાં સમગ્ર મહિલા સમાજ તથા ભક્તિનિવાસનાં ૪૫ પૂ.ત્યાગી મહિલા મુક્તો તથા ૪૩ સમર્પિત મુક્તોનો અમુલ્ય ફાળો છે.

ભક્તિનિવાસનાં વરિષ્ઠ ત્યાગી મહિલા મુક્ત પૂ.જાગુબેન તથા જવાબદાર મુક્ત પૂ.દીપલબેનનાં સત્સંગ વિચરણ દરમ્યાન વિદેશમાં પણ મહોત્સવ પૂર્વે વિવિધ પ્રવૃતિઓ થઈ હતી.

રજત જયંતી મહોત્સવમાં ભક્તિનિવાસનાં પૂ.ત્યાગી મહિલા મુક્તોનાં નેતૃત્વ હેઠળ અનેકવિધ કાર્યક્રમ, સત્સંગ વિકાસ પ્રવૃત્તિ તથા વિવિધ સેવાની સમગ્ર મહિલા સમાજે ઉત્તમ તક ઝીલી હતી. રજત જયંતી મહોત્સવ સ્વામિનારાયણ ધામની પાવનકારી ભૂમિ પર ઉજવવાનો હોવાથી ગાંધીનગરનું ‘ભક્તિનિવાસ’ સંકુલ મહિલા સમાજ માટે મહોત્સવનું મુખ્ય કાર્યાલય બની રહ્યું હતું.

પૂ.જાગુબેનના સાનિધ્યમાં મહોત્સવનાં પૂર્વ આયોજન રૂપે મિટીંગ યોજાયેલ હતી ત્યાર બાદ   પૂ.ત્યાગી મહિલા મુક્તો અને મહિલા સ્વયંસેવકદળની સેવા દ્વારા વિવિધ સમિતિઓમાં સ્વયંસેવકોની ફાળવણી થઈ જેની વિસ્ત્તૃત સમજૂતી માટે ત્યાગી મહિલા મુક્તોના સનિધ્યમાં સેન્ટરવાઈઝ અને સમિતિવાઈઝ મહોત્સવની સેવા અંગે માર્ગદર્શન આપતી મિટીંગ યોજાઈ હતી.

મહોત્સવ પૂર્વે કેમ્પસ સફાઈ, પથ્થર-કાંટા-ઝાડા વીણવા, પૂજનના વિવિધત્તમ હાર બનાવવા જેવી સેવાઓમાં મહિલા સમાજ જોડાઈ ગયો હતો.

પાયાની ઇંટોને ઇમારતની સુંદરતા માણવાની કોઈ ઇચ્છા નથી હોતી તેમ મહોત્સવમાં પડદાની પાછળ રહી કોઈ પ્રોગ્રામ જોવાની ઇચ્છા રાખ્યા વગર એકધારા પોતાની સેવાને જ મહોત્સવનો આનંદ માની મંડ્યા રહેનારા રસોડા, સ્વચ્છતા, પીરસણ, ઉતારાના સ્વયંસેવકોની મુક સેવા ઘરધણીપણાના શ્રેષ્ઠ ઉદાહરણ્રરૂપ હતી. આ ઉપરાંત સભા વ્યવસ્થા,સ્ટેજ વ્યવસ્થા, કીર્તન આરાધના ટીમ, સ્ટેજ પ્રોગ્રામ, કિડ્સ વર્લ્ડ,બેન્ડ ટીમ, બાલિકા શિબિર આદિ વિવિધત્તમ કુલ ૪૮ સમિતિઓમાં ભક્તિનિવાસમાં પૂ.ત્યાગી મહિલા મુક્તોનાં નેજા હેઠળ ૨૫૯૯ સ્વયંસેવકોએ ખૂબ પ્રશંસનીય સેવા બજાવી હતી.

આમ, સેવા ભક્તિની મઘમઘતી સુવાસગાથા સ્વજીવનના સુખો છોડી, શ્રીજીના રંગમાં રંગાઈ, મોટાપુરુષની અનુવૃતિમાં ખેચાઇ બસ રાજી કરી લેવાની હૃદય-ભાવનાને ઝંકૃત કરનાર ભક્તિનિવાસના સાંનિધ્યે ખડે પગે રેહનાર અમદાવાદ, પંચમહાલ, મહેસાણા, સાબરકાઠા, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, ઉના, વડોદરા, સુરત, મુંબઈ, યુ.પી., તેમજ વિદેશથી લાભ લેવા આવેલા સૌ મહિલા ભક્ત સમાજને કોટિ કોટિ વંદન...