Padharo Maharaj
2011-07-15
 
Gallery
 
 
 
 
 
 
 

પધારો પધારો પધારો ને, હો મારા પ્રાણ આધાર...

અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણનો પ્રેમીભક્તોના ખોરડે ખોરડે પધારવાનો દિવ્ય અમૂલખ અવસર એટલે જ પધારો મહારાજ’.

એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવને ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવવાનો આનંદ-ઉલ્લાસ તો એસ.એમ.વી.એસ.ના સમગ્ર સમાજને હતો જ. એમાંય મહિલા સમાજને નૂતન નજરાણા સ્વરૂપે પધારો મહારાજનું દિવ્ય આયોજન મળતાં આનંદની કોઈ સીમા ન રહી, કારણ કે એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવ એટલે અનેકાનેક જીવોનો ફદલમાં કલ્યાણ કરવાનો શ્રીજીમહારાજનો અને ગુરુવર્ય પ.પૂ.બાપજીનો દિવ્ય સંકલ્પ. એસ.એમ.વી.એસ. રજત મહોત્સવ ઉપક્રમે ઘેર ઘેર સત્સંગ અને સંસ્કારના બીજ રોપાય અને મુમુક્ષુ જીવોને મહોત્સવનો દિવ્યલાભ લેવાનું આમંત્રણ આપી શકાય તેવા બહુ હેતુક પધારો મહારાજનું આયોજન થયું હતું.

તા.15-7-2011ના ગુરુપૂર્ણિમાના દિવ્ય દિને, ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદ અને આદેશથી પૂ.સ્વામીશ્રીએ ભારે દબદબાપૂર્વક પધારો મહારાજપ્રોજેક્ટનો ઉદઘોષ કર્યો હતો. એ જ સમયે મહિલા વિભાગમાં પણ ઘનશ્યામ મહારાજનું કુમકુમથી પૂજન કરવામાં આવ્યું હતું. અને આખા સભામંડપમાં ઘનશ્યામ મહાપ્રભુને પાલખીમાં બિરાજમાન કરી, પધરામણી થતા ચોમેર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું.

ચાતુર્માસના પવિત્ર દિવસોમાં વિવિધ સેન્ટરોમાં, પૂ.ત્યાગી મહિલામુક્તોના દિવ્ય સાંનિધ્યમાં, સૌપ્રથમ પધારો મહારાજના અયોજનોનો શુભારંભ થયો હતો.

પધારો મહારાજપ્રોજેક્ટના યજમાન મુક્તો પોતાના સ્નેહીજનોને, આડોશી-પાડોશીને આમંત્રણ પત્રિકા આપી આ દિવ્ય પ્રસંગે પધારવાનું આમંત્રણ આપી પ્રસંગને નવાજતા હતા.

ગામના પાદરેથી કે સોસાયટીના પ્રાંગણમાંથી યજમાન મુક્તો ધામધૂમથી શ્રી ઘનશ્યામ મહાપ્રભુનું સ્વાગત કરતા કોઈ અક્ષત્ અને કુમકુમથી તો કોઈ પુષ્પથી પૂજન કરતા. અનંતકોટિ બ્રહ્માંડના નાથ એવા ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતાના ઘેર પધારતા હોવાથી યજમાન મુક્તો અત્યંત ભાવવિભોર બની જતા. કોઈ બેન્ડવાજા લાવે, તો કોઈ DJ લાવે, કોઈ ગફુલી બેન્ડ લાવે તો કોઈ શરણાઈના સૂર રેલાવીને મહાપ્રભુનું ભવ્ય સ્વાગત કરતા. તેમના નેત્રો હર્ષાશ્રુથી સજળ બની જતા. અંતરની ઉર્મીઓ કીર્તનની પંક્તિરૂપે વહેવા માંડતી કે,

આવ્યા, આવ્યા હરિજી મારે મંદિરિયે આવ્યા રે...

સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીયુંમાં આવે લટકંતો લાલો રે...

સોના અંબાડિયે હાથી શણગાર્યો, ગજે બેઠા છે ગિરધારી રે કોઈ દર્શને આવો...

યજમાન મુક્તો પોતાના ખંભે શ્રી ઘનશ્યામ મહારાજની પાલખી લઈ આનંદવિભોર બની જતા. યજમાન મુક્તો શ્રી ઘનશ્યામ મહારાજને પાલખીએથી પોતાના ઘરમાં પધરાવી ઓવારણાં લેતાં વારી જતા. પ્રારંભમાં કીર્તન-ભક્તિ અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂનના નાદથી સમગ્ર વાતાવરણ મંગલમય બની જતું હતું.

પૂ.ત્યાગી મહિલામુક્તો દ્વારા મળતા દિવ્યલાભથી અનેકાનેક મુમુક્ષુજીવોના જીવનમાં સત્સંગ અને સંસ્કારની નૂતન જ્યોત પ્રગટતી હતી. ક્યારેક એસ.એમ.વી.એસ.ના વડીલ ગૃહસ્થ મહિલામુક્તો પણ આ પ્રસંગે લાભ આપી, સૌને સત્સંગના રંગથી સભર કરતા. કેટલાક નવા મુમુક્ષુ મહિલાઓ અહોભાવથી નવી કંઠી ધારણ કરી, સત્સંગના રંગે રંગાઈ જતા હતા.

સભા પછી યજમાન મુક્તોના ઘરે કાર્યકર મહિલામુક્તોએ બનાવેલો અનેકાનેક સુંદર વાનગીઓનો થાળ યજમાનશ્રી પોતે ઘનશ્યામ મહારાજને ધરાવી, પોતાના કોડ પૂરા કરતા. સમૂહમાં ગવાતા થાળથી સૌ પ્રેમમગ્ન બની જતા હતા.

થાળ બાદ યજમાનમુક્તો અને તેમના સ્નેહીજનો ભાવવિભોર થઈ, ઘનશ્યામ મહારાજની આરતીનો દિવ્યલાભ લઈ ધન્યતા અનુભવતા હતા.

રજત જયંતી મહોત્સવમાં ભવ્ય રજતતુલા થનાર છે. જેની આંશિક સેવાનો લાભ, યજમાન મુક્તો તથા અન્ય મહિલાસમાજ રજતકુંભ દ્વારા લઈ રજતતુલાની અણમોલ સેવાના ભાગીદાર બનતા હતા.

તા.21-12-2012 થી તા.27-12-2012 દરમ્યાન સ્વામિનારાયણ ધામની દિવ્ય સંકલ્પભૂમિ ઉપર ઉજવાવનાર રજત જયંતી મહોત્સવનું સૌને ભાવભર્યું આમંત્રણ આપી, કાર્યકર મુક્તો મહોત્સવનો લાભ લેવા આવકારતા. મહોત્સવનું આમંત્રણ આપતા. ઘનશ્યામ મહારાજની મર્માળી નાની મૂર્તિ મળતા સૌ તેના દર્શને મંત્રમુગ્ધ બની જતા.

‘પધારો મહારાજ’નો આ દિવ્ય અવસર સૌને માટે ચિરસ્મરણીય બની રહેતો અને આજે પણ બની રહે છે. તા.15-7-2011 થી આજ સુધીના એક વર્ષીય સમયમાં 1084 યજમાન મુક્તોએ આ દિવ્ય અવસરનો લાભ લીધો અને 55000 થી પણ વધારે મુમુક્ષુ જીવોએ આ અવસરનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.