Essay
 
મહામુક્ત રાજબાઈ - 1
Date : 2012-04-27
 

શ્રીજીમહારાજ નીલકંઠવર્ણી વેશે 7 વર્ષ 2 માસ અને 1 દિવસના દિવ્ય વનવિચરણનો અંત આણી લોજપુરને વિષે પધાર્યા. મધ્યકાલીન યુગના આ સમયમાં ઊંચ-નીચ, જાતિ અને વર્ણોના ભેદ પડી ગયા હતા. અસ્પૃશ્યતાનું મોટું દૂષણ ધર્મનો પરવાનો લઈને સમાજમાં ઘર કરી ગયું હતું. ધર્મનું પતન થઈ રહ્યું હતું. વિષય, વ્યસન અને વ્યભિચારની આંધીમાં સ્ત્રીઓ અટવાઈ ગઈ હતી. સ્ત્રીઓનું સ્થાન સમાજમાં નામશેષ થઈ રહ્યું હતુ અને તેમના ઉપર અમાનુષી અત્યાચારો થતાં હતાં.

શ્રીજીમહારાજે સત્સંગની ધુરા સંભાળી નૂતન સંપ્રદાયની રચના કરી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ધુરા સંભાળી શ્રીહરિએ સંપ્રદાયની શુદ્ધિ સાથે સ્ત્રી-ઉત્કર્ષનું ભગીરથ કાર્ય આરંભ્યું હતું. એ વખતે સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કર્યા. પતિના મૃત્યુ પાછળ સ્ત્રીને ફરજિયાતપણે સતી થવું જ પડતું. મને કે કમને, પરાણે આ કુરિવાજમાં કેટલીય નિર્દોષ સ્ત્રીઓ બળી જતી. શ્રીજીમહારાજે તેની ઉપર પ્રતિબંધ મૂક્યો અને સમાજને સ્રીઓને પુન:લગ્ન કરવા હોય તો તેની વ્યવસ્થા કરવાનું કહ્યું અને જો લગ્ન ન કરવાં હોય તો તેમના માટે ‘સાંખ્યયોગી’ બાઈઓની અલગ વ્યવસ્થા કરી આપી કે જેમાં આજીવન શ્રીહરિ અર્થે જીવન જીવી શકાય.

શ્રીહરિની હયાતીમાં જ સાંખ્યયોગી બાઈઓનો ઘણો મોટો વર્ગ હતો. આ ઉપરાંત, ગૃહસ્થ જીવન જીવતાં મહિલા પાત્રો પણ શ્રીજીમહારાજ પ્રત્યે અનન્ય પ્રીતિ ધરાવતાં હતાં. કેટલાંક તો શ્રીહરિનાં પ્રથમ દર્શને જ પોતાના ઇષ્ટદેવ માની જીવન ન્યોછાવર કરવા તત્પર થઈ જતાં. કેટલાંક અતિ તપ-વ્રત કરી શ્રીજીમહારાજને રાજી કરતાં. કેટલાંક મહારાજને પામવા રાજ-પાટનો ત્યાગ કરી દેતાં. કેટલાંક મહિલા મુક્તો અભણ હોવા છતાં સમજણમાં સ્થિતિ થયેલાં હોય તેવાં દર્શન તેમને થતાં. કેટલાંકને સમાધિ સોયલી હતી. અનંતકોટિ બ્રહ્માંડના ધણી કોઈના બાંધ્યા ન બંધાય પણ પ્રેમીબાઈઓના પ્રેમના તાંતણે બંધાઈ જાય. એવા પ્રેમી મુક્તો પણ હતા કે જેમને એક શ્રીહરિ જ પોતાનું જીવન હતા. સ્વમિનારાયણ સંપ્રદાયના તત્કાલીન ગ્રંથોમાં આ બાઈઓની ગરવી જીવનગાથાના દર્શન થાય છે. આવાં બાઈમુક્તોની જીવનગાથામાંથી કંઈક પ્રેરણા લઈ શ્રીહરિને રાજી કરી પ્રેમલક્ષણા ભક્તિ ર્દઢ કરીએ. પ્રેરણામૂર્તિ એવાં બાઈમુક્તોના દિવ્યજીવનનો આસ્વાદ માણીએ.

શ્રીજીમહારાજ જે ગઢપુર ગામના દાદાના દરબારને પોતાનું ઘર માનીને રહ્યા હતા તે ગઢપુરમાં શ્રીજીમહારાજની પધરામણીનો પ્રથમ લાભ જીવાખાચરે લીધો હતો. જીવાખાચરનાં ધર્મપત્નીનું નામ કુંવરબા હતું. કુંવરબાનાં બહેનું નામ સોણબા હતું. સોણબાનાં લગ્ન વાંકીયા ગામે થયાં હતાં. તેઓ જ્યારે ગઢપુર આવતાં ત્યારે તેમને શ્રીજીમહારાજનાં દર્શનનો લાભ મળતો હતો. સોણબાને એક કુંવરી હતાં જેમનું નામ ‘રાજબા’ હતું. તેઓ બાલ્યાવસ્થાથી જ અન્ય કરતાં જુદાં તરી આવતાં. તેમની સોળ વર્ષની વયે પણ બ્રહ્મચારિણી જેવું તેમનું જીવન હતું. તેઓ અવારનવાર ગઢપુર સાંખ્યોગી બાઈઓની સાથે રહેવા જતાં તેમની સેવા કરતાં. તેમને મન સંસાર અસાર હતો. બસ, તેમને તો જીવનમાં એક રઢ લાગી ગઈ હતી કે, “પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો.” પરંતુ રાજબાનાં માતા-પિતાએ તેમની નાની ઉંમરની અણસમજણ ગણીને તેમની સગાઈ કરી દીધી.

એક દિવસ રાજબા પ્રભુમસ્તીમાં ગરકાવ થઈ ભજન-કીર્તન કરતાં હતાં. એટલામાં તેમનાં માતુશ્રી સોણબાએ બૂમ મારી કે, “અરે રાજુ ! શું આંખો મીંચીને ગણગણે છે ? જો આ ભૂદેવ તારા સગપણની ચૂંદડી લઈને આવ્યા છે. જો કેવી સરસ તારગૂંથી ચૂંદડી છે. ઊઠ, ઊભી થા.” આટલા શબ્દો સાંભળતાં તો રાજબાને આખા શરીરે કમકમાટી આવી ગઈ, અકળાઈ ઊઠ્યાં અને બોલ્યાં કે, ‘અરે, બળી તારી ચૂંદડી.’ રાજબાઈના મુખમાંથી શબ્દો સરતાં જ ચૂંદડી ભડભડ ભળકે બળવા માંડી. ભૂદેવ તો આ જોતાં જ થર થર કાંપવા માંડ્યાં અને ‘રખેને બળ્યો ભૂદેવ બોલશે તો હું બળી મરીશ’ એ બીકે ત્યાંથી નાસી ગયાં.

રાજબાઈનો આવો ચમત્કાર જોયા છતાં તેમનાં માતા-પિતા અને કુટુંબીજનોએ  તેમને પરણાવવાનો એટલો જ આગ્રહ રાખ્યો. તેથી રાજબાઈ ગઢપુર શ્રીજીમહારાજ પાસે આવી ગયાં. પરંતુ તેમનાં માતા-પિતા અને સંબંધીજનો રાજબાને સમજાવવા ગઢપુર ભણી ચાલ્યાં. ગઢપુર આવી રાજબાને ઘણું સમજાવવા છતાં તેઓ માન્યાં નહિ એટલે તેમણે શ્રીજીમહારાજને વાત કરી કે, “મહારાજ, આપ જ રાજુને સમજાવી અને તેને લગ્ન કરવાની આજ્ઞા કરો.”

શ્રીહરિએ રાજબાને સમજાવ્યાં અને કહ્યું કે, “અત્યારે તમે તમારાં માતા-પિતા સાથે પાછાં જાવ. તમારાં વ્રત-ટેક પાળવામાં અડગ રહેજો. અમે જરૂર તમારી રક્ષા કરીશું.”

રાજબાએ નીકળતાં મહારાજને પ્રાર્થના કરી કે, “હે મહારાજ, આપની આજ્ઞા છે એટલે જાઉં છું, પણ આપ સદાય મારી ભેળા રહેજો, રાજી રહેજો.” શ્રીહરિએ પણ તેમને સાંત્વના આપતાં કહ્યું કે, “આપ નચિંત રહેજો, અમે બધું સંભાળી લઈશું.”

રાજબાના ઘેર પહોંચ્યા પછી થોડા જ દિવસમાં લગ્ન લેવાયાં. નિર્ધારિત સમયે વાજતેગાજતે જાન પણ આવી ગઈ. સખીવૃંદ વધામણી આપવા દોડી આવ્યું. ‘અરે રાજુ ! જો તો ખરી, જાન આવી ગઈ.’ આ શબ્દો સાંભળતાં રાજબાઈનું આંતરતંત્ર પોકારી ઊઠ્યું, “હે પ્રભુ, આ શું ? આ જીવના જીવન સાથે લગ્ન તો આપના પ્રથમ દર્શને જ થઈ ગયાં હતાં. હવે આ દેહના દેહ સાથે લગ્ન કેવાં ? હે પ્રભુ, આ શક્ય જ નથી. અતૂટ શ્રદ્ધાના સથવારે અને અંતરના આર્તનાદે પ્રાર્થના અને સાથે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ ચાલું રાખ્યું.

“ર્દઢતા જોઈને રે તેની મદદ કરે છે મોરારી” એમ શ્રીહરિની ઇચ્છાથી રાજબાઈને એ જ વખતે સમાધિ થઈ ગઈ. તેમનું શરીર જડવત્ બની ગયું. પણ તેથી શું લગ્ન બંધ રહે ? સોણબાએ યુક્તિ વાપરી રાજબાઈની જગ્યાએ દાસીને તૈયાર કરીને ચોરીમાં બેસડી દીધી. લગ્નવિધિ રંગેચંગે પૂર્ણ થયો. પણ દાસીને થોડી સાસરે વળાવાય ? છેવટે રાજબાઈ સમાધિમાંથી જાગ્રત થયાં એટલે તેમને વેલડામાં બેસારી સાસરે વળાવ્યાં.

પતિગૃહે પ્રવેશેલાં રાજબાઈને હવે કસોટીની એરણે ચડવાનું હતું. કસોટીની પરાકાષ્ઠાના એ પ્રથમ દિવસે જ રાત્રિનો સમય થતાં રાજબાઈ શયનખંડમાં હાથમાં માળા લઈ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતાં બેઠાં હતાં. પતિદેવ રૂમમાં પ્રવેશ્યા અને જોયું તો પત્નીને બદલે એક વિકરાળ સિંહણ પલંગ ઉપર બેઠેલી હતી. “ઓ બાપ રે, બચાવો... બચાવો...” ની બૂમો પાડતા તેઓ રૂમમાંથી બહાર નાસી ગયા. સગાં-સંબંધીઓ કંઈ પૂછે તે પહેલાં બોલવા માંડ્યું કે, “અરે બાપ રે... આ તો સિંહણ છે સિંહણ. માટે હવે તેને જલદી વાંકીયા વળાવો. હું આ સિંહણને પરણ્યો જ  નથી.” બોલતાં બોલતાં તો થર થર ધ્રૂજવા માંડ્યા.

રાજબાઈનું ભક્ત હ્રદય પોતાના હ્રયેશ્ર્વરની આ લીલા નિહાળી મનોમન પુલકિત થઈ ગયું. ‘વાહ દયાળુ, વાહ ! ખરા સમયે આપ આવી પહોંચ્યા ખરા ! રાજબાઈએ આખી રાત ભજન કર્યું.

સાસરીયાં પણ રાજબાઈની પ્રભુ ભક્તિને વંદી રહ્યાં. સવારે સાસરીયાંઓએ રાજબાઈને કહ્યું કે, “આપ કોઈ પવિત્ર આત્મા લાગો છો. બોલો, આપની શું ઇચ્છા છે?” ત્યારે રાજબાઈએ પોતાનો નક્કર ધ્યેય રજૂ કરતાં કહ્યું કે, “મારે તો આજીવન બ્રહ્મચર્ય પાળી સ્વામિનારાયણ ભગવાનની ભજન-ભક્તિમાં જીવન વિતાવવું છે.”

સાસરિયાંઓએ રાજબાઈને રાજીખુશીથી રજા આપી અને તેમને વાંકીયા પાછાં વળાવ્યાં. ગાડાવાળાએ વાંકીયા ભણી ગાડું હંકાર્યું. રસ્તામાં રાજબાઈએ ગાડાવાળાને કહ્યું કે, “ગાડું વાંકીયા નહિ પણ ગઢપુર ભણી હંકારો જ્યાં મારાં સાચાં સગા-સંબંધી રહે છે. એમની પાસે જ મારે રહેવું છે અને સુખેથી શ્રીહરિની ભક્તિ કરવી છે.”

રાજબાઈ ગઢપુર આવ્યાં અને આજીવન જીવુબા-લાડુબાની સાથે રહી સત્સંગરૂપી સમુદ્રમાં ભળી ગયાં. આ ર્દઢ ટેકધારી રાજબાઈના પ્રેરણાદાયી વિશેષ જીવનને આગામી દિવસોમાં માણીશું.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno