Home   Menu     Activities     Watchout     Priviege     Introduction   History   Feedbak   Contact Us   Sitemap
       
શિક્ષણ, વિદ્યાભ્યાસBack
 
 

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અનુસાર વિદ્યાર્થી વિદ્યાભ્યાસ માટે નિર્જન જંગલમાં આવેલા ગુરુના આશ્રમમાં જતા જ્યાં વિદ્યાર્થીઓ ગુરુ પાસેથી વિદ્યારૂપી જ્ઞાન અને સંસ્કાર મેળવી ઉન્નત જીવન તરફ ડગ ભરતા. સમયાંતરે યુગપરિવર્તનની સાથે સમાજ વ્યવસ્થા પરિવર્તિત થતા શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર થયાં. નિર્જન જંગલમાં આવેલ આશ્રમોને સ્થાને ગામ, શહેર કે મહોલ્લામાં જ વિદ્યાભ્યાસ માટેની શાળાઓ સ્થપાઈ. જેમાં જોડાઈ વિદ્યાર્થી પોતાના ઘેર રહી અભ્યાસ કરી શકે. રહેણાંક વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં શિક્ષણ તો સુલભ થયું પરંતુ બાળકોમાં કુસંસ્કારો પેસી જવાનાં ભયસ્થાનો ઊભાં થયાં. વળી, કેટલાક વાલીઓ અત્યાધુનિક ટેકનૉલોજી તથા શિક્ષણ પદ્ધતિથી અંજાન હોવાથી બાળકો પરત્વે પૂરતું ધ્યાન ન પણ આપી શકે એવું બને તેથી અદ્યતન ટેકનૉલોજીના સથવારે ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર સિંચનથી સર્વાંગી વિકાસ કરવા ગુરુકુલો સ્થપાયાં. આવા જ ઉત્તમ હેતુથી સ્થાપાયેલ ‘સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ’ અદ્યતન ટેકનૉલોજીની હરણફાળ સાથે બાલિકાઓનો સર્વાંગી વિકાસ કરવા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત પ્રયત્નશીલ છે. ગુરુકુલમાં રહી બાલિકાઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલ ‘ઇન્ટરનેશનલ સ્કૂલ’ દ્વારા વૈશ્વિક કક્ષાએ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના જીવનની કારકિર્દીનો યશ પામી રહી છે. વિદ્યાભ્યાસની સાથે આજના ગ્લોબલ વર્લ્ડ સાથે કદમ મિલાવી શકે તે માટે વિદ્યાર્થીનીનો ‘બૌદ્ધિક આંક (IQ)’ વધારવા સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ વિવિધ આયોજનો દ્વારા સતત પ્રયત્નશીલ છે. જેવા કે,

  • Science fair – વિજ્ઞાન મેળો
  • Workshop & Seminar – વર્કશોપ અને સેમિનાર
  • Good Handwriting Project – અક્ષર સુધારણા કાર્યક્રમ
  • Field trip - પર્યટન
  • Teacher’s Day – શિક્ષક દિન
  • Mind map & Project work – ધ્યેય નક્શો અને પ્રૉજેક્ટ વર્ક
  • Competitive Exam – પ્રતિસ્પર્ધી પરીક્ષા
  • Audio visual techniques – દ્રશ્ય–શ્રાવ્ય ટેકનિકો

Science fair - વિજ્ઞાન મેળો

આજના આધુનિક યુગમાં વિજ્ઞાન કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં વિજ્ઞાને પોતાનું સ્થાન જમાવ્યું છે. પરિણામે અવનવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં રસ અને જિજ્ઞાસા કેળવાય તે માટે શાળામાં ‘Science fair’નું આયોજન પણ થાય છે. જેમાં વિદ્યાર્થીઓ વડીલો અને શિક્ષકની મદદ દ્વારા તૈયાર કરેલા વૈજ્ઞાનિક મોડેલ, ચાર્ટ, પ્રૉજેક્ટની રજૂઆત કરી પોતાની મૌલિક ભાષામાં તેની સમજૂતી આપે છે. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ સર્વે આ ‘Science fair’માં બાળકોના યોગદાન અને જે તે વૈજ્ઞાનિક કારણો રજૂ કરીને સમજૂતી આપવાની છટા જોઈ ગૌરવ અનુભવે છે. કેટલાક વાલીઓ બાલિકાઓની નિર્ભયતાથી સ્પષ્ટ રજૂઆત કરવાની છટા જોઈ મંત્રમુગ્ધ બની તેમની ખૂબ પ્રશંસા કરે છે.

બાલિકાઓને આવી Science fair જેવી પ્રવૃત્તિમાં ભાગ લેવા ઉત્સાહિત કરવા માટે, તે અંગેની તૈયારી માટે સંપૂર્ણ માર્ગદર્શન અને સહાનુભૂતિભર્યો સહકાર આપી આગળ વધારવા સતત પ્રયત્ન થાય છે.

Workshop & Seminar - વર્કશોપ અને સેમિનાર

જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે હાર્ડ વર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ અતિ અગત્યનો ભાગ ભજવે છે. એવી જ રીતે પદ્ધતીસરનો અભ્યાસ વિદ્યાર્થીને શ્રેષ્ઠ વિદ્યાર્થી બનાવે છે.

ગર્લ્સ ગુરુકુલમાં બાલિકાઓને અભ્યાસનું મહત્વ સમજાય, અભ્યાસની સરળ પદ્ધતિઓ, સ્માર્ટ વર્ક વગેરેની સમજૂતી મળી રહે તે હેતુથી અભ્યાસને લગતા સેમિનાર અને વર્કશોપનું આયોજન પણ થાય છે. વિઝ્યુઅલ શો દ્વારા અભ્યાસ અને વાંચનની પદ્ધતિની સમજૂતી આપવામાં આવે છે.

‘પરીક્ષાના ડરથી મુક્ત બનો’, ‘અભ્યાસની આદર્શ પદ્ધતિ’ જેવા Motivational સેમિનાર દ્વારા બોર્ડની પરીક્ષા માટે અગત્યની ટીપ્સ આપવામાં આવે છે અને પરીક્ષાના ડરથી મુક્ત કરી બાલિકાઓને પરીક્ષા માટે હકારાત્મક અભિગમ બંધાય તે રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Field trip - પ્રવૃત્તિ ક્ષેત્રે પર્યટન

આજની બાળપેઢી માત્ર શાળાની ચાર દીવાલ વચ્ચે રહી શિક્ષણ (Theoritical Knowledge) મેળવે તે પૂરતું નથી. પરંતુ ગ્લોબલ વર્લ્ડમાં પોતાનું સ્થાન મેળવી શકે તે માટે પુસ્તકિયા જ્ઞાનની સાથે પ્રૅક્ટિકલ જ્ઞાનથી માહિતગાર થાય તે ખૂબ જ જરૂરી છે. તે માટે બાલિકાઓને મધર ડેરી, પોલીસ એકેડેમી, બિસ્કીટ ફૅક્ટરી, ગાંધી આશ્રમ, વિધાન સભા જેવા ઔદ્યોગિક તેમજ રાજકીય ક્ષેત્રોની મુલાકાત કરાવવામાં આવે છે. આવી Field tripનો પ્રત્યક્ષ અનુભવ બાલિકાઓને જીવનમાં કારકિર્દી વિષયક, ઐતિહાસિક અને વર્તમાન પરિસ્થિતિના જ્ઞાન વિષયક તેમજ ઔદ્યોગિક અને સામાજિક બાબતોનો વિચાર કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. આવી વિવિધ Field trip બાલિકાઓના જીવનમાં ગમ્મત સાથે જ્ઞાન આપતા તેમની જિજ્ઞાસાવૃત્તિને પોષે છે.

Teacher’s Day - શિક્ષક દિન

5મી સપ્ટેમ્બર એટલે ‘શિક્ષક દિન’. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદોમાં ઊજવાતા આ દિને અન્ય શાળાની જેમ સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ શિક્ષક દિનની ઊજવણી થાય છે. વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષક બનવાનો લ્હાવો મળે ત્યારે ખરેખર રોજબરોજના દિવસોમાં શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીઓને ટેકલ કરે છે, પોતાની અનેક ક્ષેત્રિય ફરજોની વચ્ચે પણ શિક્ષક તરીકેની ફરજ કેવી નિષ્ઠાપૂર્વક અદા કરે છે, શિક્ષકનું આપણા માટે કેટલું ઋણ છે અને વિદ્યાર્થી તરીકે ખરેખર શિક્ષકો પ્રત્યે આપણી શું ફરજ બની રહે છે તે સર્વે બાબતે સચોટ અને વાસ્તવિક ચિતાર પ્રત્યક્ષ અનુભવ દ્વારા મળી રહે છે. ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓ પણ પ્રિન્સિપાલ, શિક્ષક, સુપરવાઇઝર તરીકેની પોસ્ટ સંભાળી એક નૂતન છતાં જીવનમાં ખૂબ ઉપયોગી બની રહે તેવો અનુભવ મેળવે છે. ગર્લ્સ ગુરુકુલ બાલિકાઓને આવાં આયોજનો, મૅનેજમેન્ટ દ્વારા સ્વૈચ્છિક સેવાભાવના જેવા ગુણો કેળવવા માટે પ્રોત્સાહિત કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.

Mind map & Project Work - ધ્યેય નક્શો અને પ્રૉજેક્ટ વર્ક

શિક્ષણ એ માત્ર ગોખણિયું જ્ઞાન ન બની રહે તે માટે mind map દ્વારા જે તે વિષયાંગને વિવિધ રચનાત્મક ખ્યાલથી સરળ બનાવવામાં આવે છે. જેમાં બાલિકા જાતે જે તે વિષયાંગનો અભ્યાસ કરી પ્રેરાય છે. તેથી તે વિષયાંગનું પૂરતું અધ્યયન થઈ શકે અને ત્યારબાદ તેની રજૂઆત માટેના વિવિધ રચનાત્મક ખ્યાલ માટે વિચારશીલ અને સક્રિય થઈ શકે છે. આમ, બાલિકાઓને mind map દ્વારા સમગ્ર વિષયાંગનો સાર સરળતાથી યાદ રાખવાની સરળ પદ્ધતિ બની રહે છે. તદુપરાંત બાલિકાનું રચનાત્મક પાસું પણ વિકાસ પામે છે. આ જ રીતે પ્રૉજેક્ટ વર્ક પણ અભ્યાસ માટેનું અગત્યનું રચનાત્મક પરિબળ બની રહે છે. શાળામાં લેવાતી FA – 2 પરીક્ષા પ્રૉજેક્ટ સ્વરૂપે લેવામાં આવે છે. જેમાં ભાગ લઈ બાલિકાઓ પોતાનો આત્મવિશ્વાસ સુદૃઢ કરે છે. વિજ્ઞાન જેવા વિષયમાં પ્રૉજેક્ટ દ્વારા બાલિકાઓની સંશોધન શક્તિ વિકાસ પામે છે. તો વળી, ગણિત, અંગ્રેજી જેવા વિષયોના પ્રૉજેક્ટ પણ બાલિકાઓની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા માટેની તક પૂરી પાડે છે.

Competitive Exam – સ્પર્ધાત્મક પરીક્ષા

અત્યારના આ ઝડપી અને ટેકનિકલ સ્પર્ધાત્મક યુગમાં શાળાશિક્ષણ ઉપરાંત બાલિકાઓનો વધુ ને વધુ બૌદ્ધિક વિકાસ થાય તે આવશ્યક છે. અન્ય સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે,GK, IQ Test, ISO દ્વારા બાલિકાઓના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

Audio visual techniques – દ્રશ્ય–શ્રાવ્ય પદ્ધિતઓ

એક મનોવૈજ્ઞાનિક તારણ અનુસાર માત્ર વાંચન કરતાં શ્રવણ પછીનું વાંચન અને તેથી આગળ દ્રશ્ય (ચિત્રાત્મક રજૂઆત) સાથેનું વાંચન વધુ અસરકારક બને છે. એ હેતુથી Audio-visual techniques દ્વારા બાલિકાઓના અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવવામાં આવે છે અને સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. ગણિત જેવા સ્કોરિંગ વિષયને રસપ્રદ બનાવી સહેલામાં સહેલી રીતે શીખવવા સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ દ્વારા Easy Maths, વૈદિક Maths, સ્પીડી Maths જેવા વિવિધ માધ્યમો દ્વારા બાલિકાઓમાં ગણિતમાં રસ જગાવવા બહુવિધ પ્રયત્નો થાય છે. આ ઉપરાંત, ઉખાણાં અને ગણિત ગમ્મત જેવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીનીઓને ગમ્મત સાથે જ્ઞાન પીરસવાનો અનેરો અભિગમ તેમના બુદ્ધિઆંકને વધારે છે.

 
 
 
Copyright © 2008- 2015 , Shri Swaminarayan Mandir Vasna Sanstha (SMVS). All Rights Reserved.