Home   Menu     Activities     Watchout     Priviege     Introduction   History   Feedbak   Contact Us   Sitemap
       
Co-Curricular activities – સહઅભ્યાસિક પ્રવૃત્તિઓBack
 
 

ગર્લ્સ ગુરુકુલમાં અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાલિકાઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. માત્ર અભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકના બૌદ્ધિક વિકાસમાં તેમજ જ્ઞાનપ્રાપ્તિમાં મદદરૂપ બને છે. ભવિષ્યમાં એક યુવતી તરીકે જીવનના વિશાળ ફલક પર કોઈ વિશિષ્ટ ભૂમિકા ભજવવાની છે તેને ધ્યાનમાં રાખીને બાલિકામાં શૈક્ષણિક વિકાસની સાથે સાથે કળા-કૌશલ્યતા, રમતગમતમાં રસ, સ્વચ્છતા, મૅનેજમેન્ટ જેવા ગુણો વિકાસ પામે તે હેતુથી ગર્લ્સ ગુરુકુલમાં ડીબેટિંગ, વિવિધ કળા-કૌશલ્ય સંબંધિત સ્પર્ધાઓ, આઉટ ડોર તથા ઇન્ડોર ગેમ્સ, સ્વયં સંચાલન પર્વ જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અને એ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા તેમની કળાને પણ પ્રોત્સાહન મળે છે. જેની અલ્પ ઝાંખી અહીં પ્રસ્તુત છે.

 • 1. Arts & Skills – કળા-કૌશલ્ય
 • 2. CD Visualization – સી.ડી. દર્શન
 • 3. Debating - ચર્ચા
 • 4. Sports : Indoor – Outdoor games – ઘરમાં તેમજ બહાર રમાતી રમત
 • 5. Picnic -પ્રવાસ
 • 6. Dinner in Wood - વનભોજન
 • 7. Self Management Days - સ્વયં સંચાલન પર્વ
 • 8. Neatness Day - સ્વચ્છતા દિન

1. Arts & Skills – કળા-કૌશલ્ય

દરેક વ્યક્તિની અંદર આંતરિક કળાઓ છુપાયેલી જ હોય છે. પરંતુ જો તેને પારખી તેનું પોષણ કરવામાં આવે તો તે કળા નિખરી ઊઠે છે. બાલિકાઓના આંતરિક જીવનમાં પણ અનેક કળાઓ છુપાયેલી હોય છે. જેને જાગૃત કરી તેની તાલીમ આપી કેળવવામાં આવે તો કળાનું સૌંદર્ય મહોરી ઊઠે છે. જેનાથી બાલિકાઓમાં ચપળતા, આપસૂઝ, ચીવટ, ચોકસાઈ, સમયસૂચકતા, વિચારશીલતા, નવીનતા જેવા સર્વાંગી વિકાસ કરતા ગુણો કેળવાય છે. તેમનો બુદ્ધિઆંક (IQ) ઊંચો આવે છે. આ ઉપરાંત, કળા-કૌશલ્ય દ્વારા બાલિકાઓમાં એક આત્મવિશ્વાસ જન્મે છે.

ગર્લ્સ ગુરુકુલમાં આવી વિવિધ કળાને ખીલવતી સ્પર્ધાનું આયોજન થાય છે.

    Visual arts - ચક્ષુગમ્ય કળાઓ

 • Rangoli Competition - રંગોળી સ્પર્ધા
 • વિવિધ પ્રકારની રંગોળી પૂરી બાલિકાઓ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં જોડાય છે. જેમાં તેઓ વિવિધ રંગોની, ફૂલ, પાંદડાં, માટી તેમજ લોટ-કઠોળ, અનાજના મિશ્રણની તથા દીવાથી રંગોળી બનાવે છે. જેનાથી બાલિકાઓમાં રંગપૂરણીની કળા, ચોકસાઈ વગેરે ગુણો કેળવાય છે.
 • Clay Modeling - ક્લે મોડેલિંગ (માટીમાંથી આકૃતિ બનાવવાની સ્પર્ધા)
 • માટી વડે વિવિધ વિષયને અનુરૂપ આકૃતિઓ બનાવી બાલિકાઓ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં સામેલ થાય છે અને રચનાત્મક શક્તિનો વિકાસ કરે છે.
 • Card Making Competition - કાર્ડ બનાવવાની સ્પર્ધા
 • બાલિકાઓ દ્વ્રારા શુભેચ્છા પત્ર, આમંત્રણ પત્ર જેવા વિવિધ કાર્ડ બનાવવામાં આવે છે. જેમાં અવનવા સુશોભન દ્વારા બાલિકાની સર્જનાત્મકતા અને સૌંદર્યકળાને યોગ્ય દિશા મળી રહે છે.
 • Rakhi Making - રાખડી બનાવવાની કળા
 • રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ મટિરીયલ્સના ઉપયોગ વડે બાલિકાઓ નાની-મોટી રાખડી બનાવી પોતાની કળા પ્રદર્શિત કરે છે.
 • Drawing – ચિત્રસ્પર્ધા
 • વિવિધ વિષયને અનુરૂપ તેમાંથી કોઈ ને કોઈ બોધ આપતાં આકર્ષક ચિત્રો અને કોલાઝ વર્કની સ્પર્ધામાં બાલિકાઓ ઉત્સાહભેર પોતાની કળા-કૌશલ્યતાને વિકસાવવાની તકને ઝડપી લે છે.

    Performing Art

 • Literature Art - સાહિત્ય કળા
 • ગર્લ્સ ગુરૂકુલમાં સાહિત્ય ક્ષેત્રે રસ દાખવનાર બાલિકાઓને તેમની કલાને વધુ ને વધુ વિકાસ કરવાની પૂરતી તક મળી રહે છે. નિબંધ લેખન, કાવ્ય લેખન જેવી કૃતિ રચીને બાલિકાઓ પોતાની કલ્પના શક્તિ, લેખન શક્તિ તેમજ ભાષાકીય પ્રભુત્વ જેવા ગુણો કેળવી શકે છે.

2. CD Visualization - સી.ડી. દર્શન

આજના ટેકનૉલોજીના યુગમાં બાળકને Multimedia દ્વારા શીખવામાં વધુ રસ પડે છે. ગેરમાર્ગે લઈ જનાર ટી.વી., ઇન્ટરનેટ વગેરે બાળ માનસને વિકૃત કરી નાખે છે. આવા ટી.વી., ચેનલ, ઇન્ટરનેટના દૂષણથી દૂર રહીને પણ બાલિકાઓ બાહ્યજગતથી વાકેફ રહી શકે તે માટે C.D. દર્શન જેવા પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં જીવન ઉપયોગી વિવિધ વિષય અંગેનું C.D. દર્શન કરાવવામાં આવે છે.

જેવી કે, જનરલ નોલેજ, મહાન વ્યક્તિઓના જીવન અંગેની, જે તે ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સફળ વ્યક્તિઓની સફળતા અંગેની, નૈતિકતા અને આદર્શતાના પાઠ શીખવા મળે તેવી, બોધકથાઓ-વાર્તાઓ અંગેની તેમજ સત્સંગલક્ષી પ્રસંગો તેમજ ભક્તગાથાની VCD તેમજ મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમોના CD દર્શનનો આનંદ માણે છે. આ રીતે CD દર્શન દ્વારા બાલિકાઓને મનોરંજન સાથે જીવનઘડતરની તક મળી રહે છે. દર રવિવારે મળતાં CD દર્શનના આવા જીવનસ્પર્શી લહાવની બાલિકાઓ આતુરતાથી રાહ જોતી હોય છે.

3. Debating – ચર્ચા-વિચારણા

જુદા જુદા વિષય ઉપર ચર્ચા-વિચારણા કરવી તે એક આગવી કળા જ છે. જે તે વિષયની સમજૂતી, તે અંગેના ફાયદા-ગેરફાયદા, મહત્વ વગેરેની ચર્ચા એ વિષયને બાલિકાના જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થઈ રહે છે. ચર્ચામાં સામેલ થઈ પોતાના ખ્યાલો રજૂ કરવાનો, અન્યના ખ્યાલનો સ્વીકાર કરવાનો અભિગમ કેળવાય છે. તો વળી, ત્વરિત નિર્ણયશક્તિ, હાજર જવાબીપણું, વાક્છાટા વગેરે જેવા ગુણો પણ કેળવાય છે. સત્સંગલક્ષી, સંસ્કારલક્ષી તેમજ શિક્ષણલક્ષી વિષયો પર આવી ચર્ચા યોજવામાં આવે છે..

4. Sports - રમત-ગમત

 • Indoor-Outdoor games – ઘરમાં તથા મેદાનમાં રમાતી રમતો
 • મેદાનની રમતો સાથે સાથે ઇન્ડોર રમતો પણ એટલી જ આવશ્યક છે. તેનાથી બાલિકાઓના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ થઈ શકે તે માટે કેરમ, ચેસ, ટેબલટેનિસ જેવી રમતોની સવલત પણ આપવામાં આવે છે. બાલિકામાં ખેલદિલી, સંઘભાવના, ત્યાગ, સમર્પણ, નિર્ભયતા જેવા ગુણો કેળવાય, લઘુતાગ્રંથિ દૂર થાય અને આત્મવિશ્વાસ કેળવાય તેમજ જીવનમાં હારજીતનું મહત્વ સમજાય તે માટે બાલિકાઓને વિવિધ પ્રકારની રમતો રમવા માટે પ્રેરવામાં આવે છે. વળી, જુદી જુદી રમતો માટે બાલિકાઓને Inter School Compititon તેમજ તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ભાગ લેવડાવી તેમના માટે વિશાળ તકો ખુલ્લી કરવામાં આવે છે. ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓ આ રીતે જુદા જુદા લેવલે વિવિધ રમતોમાં સારું પર્ફોર્મન્સ કરી તેમાં વધુ પ્રગતિ કરી રહી છે.
 • Outdoor game – મેદાનમાં રમાતી રમતો
 • “Play ground is an open school…” તે ઉક્તિ અનુસાર બાલિકાઓને વિવિધ આઉટડોર રમતો રમવા માટે પ્રેરવામાં આવે છે. વૉલીબૉલ, બેડમિન્ટન, ક્રિકેટ, કબ્બડી, ખો-ખો જેવી વિવિધ રમતો માટેની પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે; જેના થકી બાલિકાઓ સ્ફૂર્તિવાન અને તંદુરસ્ત બની શકે.

5. Picnic - પ્રવાસ

વિદ્યાર્થી અવસ્થામાં બાળકની આકાંક્ષા અને જિજ્ઞાસારૂપી પાંખોને દિન-પ્રતિદિન કંઈક નવું નવું જાણવાનો, જોવાનો અને તેમાંથી કંઈક નવું પામવાનો, ગ્રહણ કરવાનો ઉત્સાહ અને ઉમંગ હોય છે. નાનીઅમથી પાંખો વડે તેને ઇતિહાસ અને વર્તમાન જગતને આંબવાની આશાઓ હોય છે. વિદ્યાર્થીઓની આવી આશા, આકાંક્ષા, જિજ્ઞાસાઓ અને કલ્પનાઓની પાંખોને ઊડવા માટે ગર્લ્સ ગુરુકુલમાંથી પ્રવાસનું આયોજન કરીને શાળાની ચાર દીવાલોની બહારની દુનિયામાં વિહરવાની તક પૂરી પાડવામાં આવે છે. જેમાં બાલિકાઓને જોવાલાયક સ્થળોમાં, મંદિરોમાં તેમજ મનોરંજન મળી રહે તેવાં સ્થળોમાં લઈ જવામાં આવે છે. ત્યાં ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવા વિષયો ઉપર વિવિધ પ્રવચનો ગોઠવાય છે. તો વળી, સ્પર્ધાત્મક કાર્યક્રમો દ્વારા બાલિકાઓના કળા-કૌશલ્યને પ્રકાશમાં લાવવામાં આવે છે.

6. Dinner in Wood - વનભોજન

દિવસે દિવસે માનવી ટેકનૉલોજીના સહારે અદ્યતન સુખ-સાહ્યબીમાં જીવવા ટેવાતો જાય છે અને પ્રકૃતિથી દૂર થતો જાય છે. આજની બાળપેઢીએ well furnished kitchen (રાચરચીલાથી સજ્જ રસોડાં)માં જ જમવાનો લાભ લીધો છે. સ્ટીલની થાળી કે ડિસ્પોઝિબલ ડીશ-વાટકીનો ઉપયોગ કરનાર તેમજ ડાઇનિંગ ટેબલ પર જમનાર બાળકને આપણા બાપદાદાઓ પતરાળા કે વાડી-ખેતરમાં જમતા હતા તેની ખબર પણ નહિ હોય... પરંતુ એ બાપદાદાઓની પ્રણાલી મુજબ જમવામાં જે અનેરો આનંદ અને એ પ્રણાલીગત ભોજનની મીઠાશ કેવી હશે તેની તો કલ્પના જ જુદી છે... આ કલ્પનાનો અનુભવ દ્વારા આનંદ માણવા માટે ગર્લ્સ ગુરુકુલમાં વનભોજનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઘટાદાર આંબાવાડિયાના છાંયામાં બેસીને સૌ બાલિકાઓ સમૂહ ભોજન કરે છે. એ દિવસે પ્રણાલિગત ભોજન કઢી, રોટલા, રીંગણનું શાક, ગોળ વગેરે ભોજનનો સ્વાદ બાલિકાઓને અનોખા અનુભવનો આસ્વાદ કરાવે છે.

7. Self Management Days - સ્વયં સંચાલન પર્વ

બાળક નાનપણથી દરેક બાબતે કોઈ ને કોઈ વ્યક્તિના સહારે જીવનમાં આગળ વધે છે. બાળક નાનું હોય ત્યારે માતાપિતા જમાડે... ધીમે ધીમે જાતે જમતા શીખ્યો... પિતાની આંગળી પકડી ચાલતું બાળક ધીમે ધીમે જાતે ચાલતા શીખ્યો. માતાપિતાના સહારે શાળાએ પહોંચ્યો. ત્યાં પણ શિક્ષકના સહારે જ્ઞાન પામ્યો. આ જ રીતે જીવનના વિધ વિધ ક્ષેત્રોમાં પ્રગતિ પામવા માટે તેણે કોઈ અન્યનો આધાર રાખ્યો છે. પરંતુ એક દિવસ તો એવો આવવાનો જ છે કે જેમાં તેણે કોઈના આધાર વિના સ્વ-આધારિત થવાનું છે અર્થાત્ પોતાની જાતે બધું કરતાં શીખવાનું છે.

નાનપણથી સ્વ-આધારિત બની શકે, તે માટેના ગુણો વિકસી શકે તેવા હેતુથી ગર્લ્સ ગુરુકુલમાં સ્વયં સંચાલન પર્વનું આયોજન કરવામાં આવે છે. 3-4 દિવસોનાં આ પર્વમાં અલગ અલગ વિભાગની સંપૂર્ણ જવાબદારી બાલિકાઓ દ્વારા જ નિભાવવામાં આવે છે. જેવી કે, ગૃહમાતા, સ્ટાફ મુક્તો, રસોઈ બનાવનાર તેમજ જુદા જુદા વિભાગ મુજબ સેવાની સોંપણી કરવામાં આવે છે. ત્યારબાદ સ્વયં સંચાલન પર્વના તમામ દિવસોમાં રસોઈ, સ્વચ્છતાથી લઈને મૅનેજમેન્ટ વર્ક તેમજ વિવિધ આયોજનો બાલિકાઓ દ્વારા જ સંભાળવામાં આવે છે. જેમાં તમામ બાલિકાઓ ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે. આ પર્વના દિવસોમાં બાલિકાઓને મૅનેજમેન્ટ, રસોઈ, ચોકસાઈ, ટીમવર્ક જેવા ગુણો શીખવા મળે છે. સ્વયં સંચાલન પર્વના આ દિવસો બાલિકાઓ માટે ઉત્સવ સમ બની રહે છે.

8. Neatness Day - સ્વચ્છતા દિન

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ ઉક્તિ અનુસાર સ્વચ્છતા એ જીવનનું મહ્ત્વનું પાસું છે. પછી ભલે એ વ્યવહારિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય પણ સ્વચ્છતાની આવશ્યકતાને તો સ્વીકારવી જ રહી. એમાંય સ્ત્રી વર્ગમાં તો આ ગુણ અતિ આવશ્યક બની રહે છે. તેથી નાનપણથી બાલિકાઓમાં સ્વચ્છતાનો ગુણ કેળવાય તે હેતુથી દર 15 દિવસે એક વાર સ્વચ્છતા દિનનું આયોજન કરવામાં આવે છે. જેથી, બાલિકાઓ ભવિષ્યમાં આવનાર જવાબદારીઓને પણ ચોખ્ખાઈ-ચોકસાઈપૂર્વક નિભાવવા માટે સક્ષમ બને છે. સ્વચ્છતા દિને સમૂહ સ્વચ્છતા કરતી બાલિકાઓના ઉરમાં સેવાનો અનેરો આનંદ હોય છે. સ્વચ્છતા દિનની આ ક્ષણો તેમના માટે સેવા-ઉત્સવ બની જાય છે.

 
 
 
Copyright © 2008- 2015 , Shri Swaminarayan Mandir Vasna Sanstha (SMVS). All Rights Reserved.