Home   Menu     Activities     Watchout     Priviege     Introduction   History   Feedbak   Contact Us   Sitemap
       
ગુરુકુલ સ્થાપનાનો હેતુBack
 
 

અતીત ભારતના વિદ્યાભ્યાસનો ઇતિહાસ ગૌરવવંતો હતો. જેમાં વિદ્યાર્થી વિદ્યાપ્રાપ્તિ માટે ગુરુકુલને પ્રાધાન્ય આપતા. સંસારજગતના રાજસી અને ભોગવિલાસી જીવનથી નિરાળા સાત્વિક અને સંયમી જીવનના પાઠ વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણતા. વિદ્યાની સાથે તેમના જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોનો સંચાર થતો. જેની ફલશ્રુતિ રૂપે વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં સમાજને સર્વાંગપૂર્ણ એવા આદર્શ યુવાનોની ભેટ મળતી.

૨૧મી સદીમાં હરણફાળ ભરતાં આજના અત્યાધુનિક યુગમાં વિકસતી ટેકનોલોજીને પ્રમાણસર માનવીની માનવતા વિકસવાને બદલે ઘટતી જાય છે. વિષય, વ્યસન અને ફેશનની નાગચૂડમાં સમાજ સપડાતો જાય છે. એમાંય વિદેશી સંસ્કૃતિના અનુકરણનો નશો આબાલ-વૃદ્ધ સૌમાં વ્યાપી રહ્યો છે જેના કલુષિત વાતાવરણનો વિશેષ ભોગ આજની બાળપેઢી થઈ રહી છે. તેમના સંસ્કારોનો વિનાશ સર્જાઈ રહ્યો છે જેના વિપરીત પ્રતિબિંબો આજે સમાજમાં દેખાઈ રહ્યા છે અને એથી વિશેષ વિપરીત પ્રતિબિંબો ભવિષ્યમાં દેખાશે. છેવટે ઘર-પરિવારો, દેશ, સમાજનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. આવા કપરા સમયમાં જટીલ અને વિપરીત સંજોગ-પરિસ્થિતિમાં જરૂર છે એવા કોઈ માધ્યમની કે જે ઊગતી પેઢીમાં સત્સંગ, સંસ્કાર, અદ્યતન શિક્ષણ, જીવનમાં સાંસ્કૃતિક પરંપરાગત મૂલ્યો, આદર્શતાનાં ઉચ્ચ મૂલ્યો સુગ્રથિત કરી તેમનું શ્રેષ્ઠ જતન કરે.

દેશના, સમાજના ઉજ્જ્વળ ભાવિનું નિર્માણ કરનારા આદર્શ બાળપુષ્પોને ખીલવી તેમનું જતન કરવા SMVS દ્વારા પરિવર્તનનો પ્રાણ પૂરતાં ગુરુકુલોની સ્થાપના કરવાનો ભગીરથ પ્રયત્ન ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પે થઈ રહ્યો છે. જેમાં આજના અદ્યતન યુગની સમકક્ષ રહીને પણ બાળપેઢીમાં આધ્યાત્મિક મૂલ્યોની ખેવના થઈ રહી છે.

આજના સત્સંગ અને સંસ્કારવિહિન બનતા સમાજમાં સત્સંગ, સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યોની ઝળહળતી જ્યોત પ્રગટાવવાની મુખ્યત્વે જવાબદારી સ્ત્રી વર્ગની છે. બાલ્યાવસ્થાથી બાલિકાઓમાં શિક્ષણ, સત્સંગ અને સંસ્કારના ત્રિવેણી સંગમથી દિવ્યજીવનની જ્યોત પ્રગટે એ બહુ જરૂરી છે ત્યારે આદર્શ શિક્ષણ અને સદ્દગુણોસભર ઉચ્ચ ગુણવત્તાવાળો અને દિવ્યજીવન જીવતો બાલિકાઓનો સમૂહ તૈયાર થાય તેવા હેતુથી ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પથી ૨૦૧૧ની સાલમાં સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલની સ્થાપના કરવામાં આવી.

સમાજની હજારો બાલિકાઓ ગુરુકુલમાં પૂ. ત્યાગી મહિલામુક્તોના સાંનિધ્યમાં રહી ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી પોતાની ઉચ્ચ કારકીર્દી બનાવી, કાલની આદર્શ યુવતી બની, એક શ્રેષ્ઠ નારી બની આવનાર નૂતન પેઢીનું શ્રેષ્ઠ ઘડતર કરે, અને પ્રગટેલા દીવાથી અનેક નવા દીવા પ્રગટાવી શકે એવા ઉચ્ચ આદર્શો એ ગુરુકુલની સ્થાપનાનો મુખ્ય સ્ત્રોત બની રહ્યા છે.

ઉચ્ચતમ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીનીઓમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જેવા કે શિસ્ત, વિનય, વિવેક, સંપ, સત્યપાલન, નીતિમત્તા, માતા પિતા વડીલોનો આદર જેવા સદ્દગુણોનું સિંચન થઈ રહ્યું છે. ઉપરાંત પહેરવેશમાં, વર્તનમાં, વાણીમાં મર્યાદા, સંયમ જેવા સંસ્કૃતિક મૂલ્યો બાલિકાઓના જીવનમાં ર્દઢ થતા આજે ગુરુકુલ ભૂતકાળના ગુરુકુલો, વિદ્યાશ્રમોની પ્રતિકૃતિ સમાન બની રહ્યું છે. ભૂતકાળની સ્મૃતિ આજે જીવંત દેખાતા તેની યાદ તાજી થઈ રહી છે. બાલિકાઓના જીવનની સવારથી રાત સુધીની તમામ ક્રિયાઓ પ્રભુમય અને સંસ્કારી બની રહે તેમ જ અરસપરસ આત્મીયતાભર્યું વાતાવરણ સર્જાય તથા સાચું બોલવું, સાચું કરવું જેવા આદર્શો બાલિકાના જીવનમાં કંડારીને બાલિકાઓના જીવનને સંસ્કારોની મૂર્તિસમ બનાવવાનો તથા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય સ્વરૂપની ઓળખાણ સરાવી ધાર્મિક્તામાં આસ્થા જગાવવાના વિશેષ પ્રયત્ન પૂ. ત્યાગી મહિલામુકતો દ્વારા થઈ રહ્યો છે. આજની સમાજની વિષમ પરિસ્થિતિ અને કલુષિત વાતાવરણની વચ્ચે રહેવાથી બાળપેઢીનાં જીવનનો રાહ ક્યાંક ફંટાઈ જાય છે ત્યારે ગર્લ્સ ગુરુકુલ આવા કુસંગ અને વિષમ વાતાવરણની સામે રક્ષાકવચ રૂપ બની રહ્યું છે. બાલિકાઓ પોતાના જીવનના ઉચ્ચતમ આદર્શોને સાચવી શકે, પ્રભુમય સુંદર વાતાવરણમાં સર્વાંગી વિકાસ કરી સમાજ અને દેશને ખૂબ ઉપયોગી બની રહે એવા હેતુથી અહીં (ગર્લ્સ ગુરુકુલમાં) તેઓનું શ્રેષ્ઠ ઘડતર થઈ રહ્યું છે.

 
 
www.smvs.org | swaminarayandham.org | bhaktiniwas.org | kids.smvs.org | smvslifecare.com
Copyright © 2008- 2022, Swaminarayan Mandir Vasna Sanstha (SMVS). All Rights Reserved.